Mumbai

પશ્ચિમ રેલવેમાં ટેકનિકલ ખામી સર્જાતા રેલવે વ્યવહાર ખોરવાયો

By GS TEAM
21 Sep 20251 min read
પશ્ચિમ રેલવેમાં ટેકનિકલ ખામી સર્જાતા રેલવે વ્યવહાર ખોરવાયો

અપ અને ડાઉન લોકલ ટ્રેનો ૨૦ મિનિટ મોડી 

વધુમાં  પશ્ચિમ રેલવે પર  વસઈ અને વિરાર રેલવે સ્ટેશન પર રાત્રી બ્લોકનું આયોજન

મુંબઈ -  મુંબઈની જીવાદોરી સમાન પશ્ચિમ રેલવેના અંધેરી સ્ટેશન પર ટેકનિકલ ખામીની કારણે મુંબઈ લોકલ સેવા ઠપ્પ થઈ ગઈ હતી. પરિણામે ટ્રેનો ૨૦ મિનિટ મોડી ચાલી રહી હતી.  જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ, પશ્ચિમ રેલવે લાઈન પર અંધેરી સ્ટેશન પર એક પોઈન્ટ ફેઈલર થયો હતો. જેના કારણે પશ્ચિમ લાઈનમાં અપ તથા ડાઉન લાઈનની લોકલ ટ્રેનોના સમયપત્રક પર અસર પડી હતી. આ ફેલઈરને કારણે લોકલ ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી.

દરમિયાન ઘટનાની માહિતી મળતાં જ રેલવે વહીવટીતંત્રે તાત્કાલિક ટેકનિકલ સમારકામનું કામ હાથ ધર્યું હતું. વધુમાં વહીવટીતંત્રએ મુસાફરોને આ સમયે ધીરજ રાખવા અપીલ કરી હતી. એક કલાકની જહેમત બાદ રેલવે વહીવટીતંત્રે ટેકનિકલ ખામીનું સમારકામ પૂર્ણ કર્યું હતું. આ બાદ થોડા કલાકોમાં  લોકલ ટ્રેનો સમયપત્રક મુજબ પુનઃસ્થાપિત કરાઈ હતી.

નોંધનીય છે કે, ૨૦ સપ્ટેમ્બરના રોજ વસઈ રોડ અને વિરાર રેલવે સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલવે પર રાત્રી બ્લોક લાદવામાં આવશે. આ રાત્રી  બ્લોક શનિવારે રાત્રે ૧૨.૧૫ વાગ્યાથી વહેલી સવારે ૪.૧૫ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ કારણે રવિવારે દિવસ દરમિયાન કોઈ બ્લોક રહેશે નહીં.