Mumbai

પુણેમાં રેવ પાર્ટી પર દરોડોઃ એકનાથ ખડસેના જમાઈ સહિત સાત ઝડપાયા

By GS TEAM
28 Jul 20252 mins read
પુણેમાં  રેવ પાર્ટી પર દરોડોઃ એકનાથ ખડસેના જમાઈ સહિત સાત ઝડપાયા

- પાર્ટીમાં ડ્રગ અને દારુની રેલમછેલ ચાલતી હતી

- ડો. પ્રાંજલ ખેવલકરની પત્ની રોહિણી પણ શરદ પવારની એનસીપીના પદાધિકારીઃ ઝડપાયેલામાં બે મહિલાનો પણ સમાવેશ

મુંબઈ: પુણે પોલીસે શનિવારે મોડી રાતે પુણેના ખરાડી વિસ્તારમાં એક રેવ પાર્ટી પર દરોડા પાડી પાંચ પુરુષ અને બે મહિલાની ધરપકડ કરી હતી. પકડાયેલા લોકોમાં એનસીપી (શરદચંદ્ર પવાર)ના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેના જમાઈ અને એનસીપી (શરદચંદ્ર પવાર)ના મહિલા પ્રદેશાધ્યક્ષ રોહિણી ખડસેના પતિ ડો. પ્રાંજલ ખેવલકરનો પણ સમાવેશ હોવાથી આ દરોડાને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે. 

આ પાર્ટીમાં કોકેન અને ગાંજા જેવા ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. ડો. પ્રાંજલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેના હડપસરના નિવાસસ્થાને પણ છાપો માર્યો હતો.

પુણે પોલીસે ખરાડી વિસ્તારના એક મકાનમાં રેવ પાર્ટી કરતા આ લોકોને પકડયા બાદ ડો. પ્રાંજલ સહિત તમામને તબીબી તપાસ માટે પુણેની સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ તપાસ પૂરી થયા બાદ પોલીસ પ્રાંજલને તેના હડપસરના ઘરે લઈ આવી હતી અને તેના ઘરની ઝડતી લઈ તેના લેપટોપ, મોબાઈલ પેનડ્રાઈવ, હાર્ડડિસ્ક સહિત અન્ય ગેઝેટ્સ જપ્ત કર્યા હતા.

રવિવારે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે પોલીસે પુણેના ખરાડી વિસ્તારમાં આવેલા એક સ્ટુડિયો એપાર્ટમેન્ટ પર છાપો માર્યો ત્યારે અહીં ડ્રગ પાર્ટી ચાલી રહી હતી. 

છાપા દરમિયાન પોલીસને અહીંથી ૨.૭ ગ્રામ કોકેન અને ૭૦ ગ્રામ ગાંજા જેવો દેખાતો પદાર્થ મળી આવ્યો હતો. આ ઉપરાંત હુક્કા પોટ, હુક્કા ફલેવર અને દારૂની બોટલો પણ મળી આવી હતી.પોલીસે અહીંથી કુલ સાત જણની ધરપકડ કરી હતી જેમાં પ્રાંજલ ખેવલકર, નિખિલ પોપટાણી, સમીર સૈય્યદ, શ્રીપાદ યાદવ, સચિન બોમ્બે, ઈશા સિંહ અને પ્રાચી શર્માનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટના બાબતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા એકનાથ ખડસેએ માધ્યમોને જણાવ્યું હતું કે આ વાતની જાણ મને થઈ છે અને હું વધુ વિગત મેળવી રહ્યો છું. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આવી કોઈ ઘટના બનશે તેની મને પહેલેથી જ શંકા હતી.