પુણેમાં રેવ પાર્ટી પર દરોડો : એકનાથ ખડસેના જમાઈ સહિત સાત ઝડપાયા

પાર્ટીમાં ડ્રગ અને દારુની રેલમછેલ ચાલતી હતી
ડો. પ્રાંજલ ખેવલકરની પત્ની રોહિણી પણ શરદ પવારની એનસીપીના પદાધિકારીઃ ઝડપાયેલામાં બે મહિલાનો પણ સમાવેશ
આ પાર્ટીમાં કોકેન અને ગાંજા જેવા ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. ડો. પ્રાંજલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેના હડપસરના નિવાસસ્થાને પણ છાપો માર્યો હતો.
પુણે પોલીસે ખરાડી વિસ્તારના એક મકાનમાં રેવ પાર્ટી કરતા આ લોકોને પકડયા બાદ ડો. પ્રાંજલ સહિત તમામને તબીબી તપાસ માટે પુણેની સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ તપાસ પૂરી થયા બાદ પોલીસ પ્રાંજલને તેના હડપસરના ઘરે લઈ આવી હતી અને તેના ઘરની ઝડતી લઈ તેના લેપટોપ, મોબાઈલ પેનડ્રાઈવ, હાર્ડડિસ્ક સહિત અન્ય ગેઝેટ્સ જપ્ત કર્યા હતા.
આ સંદર્ભે વધુ વિગત આપતા ડીસીપી (ક્રાઈમ) નિખિલ પિંગળેએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે પોલીસે પુણેના ખરાડી વિસ્તારમાં આવેલા એક સ્ટુડિયો એપાર્ટમેન્ટ પર છાપો માર્યો ત્યારે અહીં ડ્રગ પાર્ટી ચાલી રહી હતી. છાપા દરમિયાન પોલીસને અહીંથી ૨.૭ ગ્રામ કોકેન અને ૭૦ ગ્રામ ગાંજા જેવો દેખાતો પદાર્થ મળી આવ્યો હતો. આ ઉપરાંત હુક્કા પોટ, હુક્કા ફલેવર અને દારૂની બોટલો પણ મળી આવી હતી.
ડીસીપી પિંગળેએ જણાવ્યું હતું કે પોલીસે અહીંથી કુલ સાત જણની ધરપકડ કરી હતી જેમાં પ્રાંજલ ખેવલકર, નિખિલ પોપટાણી, સમીર સૈય્યદ, શ્રીપાદ યાદવ, સચિન બોમ્બે, ઈશા સિંહ અને પ્રાચી શર્માનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના બાબતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા એકનાથ ખડસેએ માધ્યમોને જણાવ્યું હતું કે આ વાતની જાણ મને થઈ છે અને હું વધુ વિગત મેળવી રહ્યો છું. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આવી કોઈ ઘટના બનશે તેની મને પહેલેથી જ શંકા હતી. જોકે હું એવી વ્યક્તિ નથી કે ખોટાનું સમર્થન કરું. જો કોઈએ કાંઈ ખોટું અને ખરાબ કર્યું હશે તો તેને ચોક્કસ સજા થવી જોઈએ. ખડસેએ પોલીસની કાર્યવાહી ભાજપના મંત્રી ગિરિશ મહાજન સાથે ચાલી રહેલા વિવાદને લીધે થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
પ્રાંજલના પ્રોપર્ટી લે વેચ સહિત અનેક વ્યવસાય
ડો. પ્રાંજલ ખેવલકર એનસીપી (એસપી)ના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેના જમાઈ છે. તેમનો પ્રોપર્ટી લે-વેચનો બિઝનેસ છે. પ્રાંજલ રોહિણી ખડસેને બીજા પતિ છે. રોહિણીના પહેલા પતિ સાથે છુટાછેડા થયા બાદ તેમણે પ્રાંજલ સાથે લગ્ન કર્યા છે. બન્ને બાળપણના મિત્રો પણ છે. હાલ પ્રાંજલ અને ખડસે કુટુંબ મુકતાઈનગરમાં રહે છે. પત્ની રોહિણી પ્રાંજલ રાજકારણથી દૂર રહે છે અને તેમનો પ્રોપર્ટી લે- વેચનો બિઝનેસ છે. આ ઉપરાંત તેઓ રિઅલ એસ્ટેટ અને ઈવેન્ટ મેનેજમેન્ટના બિઝનેસ સાથે જોડાયેલા છે. પ્રાંજલના નામે સાકર કારખાના અને ઉર્જા ક્ષેત્રની કંપનીઓ હોવાનું પણ કહેવાય છે. આ ઉપરાંત પ્રાંજલના નામે એક ટ્રાવેલ્સ કંપની હોવાનું પણ જાણવા મળ્યું છે.
પુણેની ડ્રગ પાર્ટીના સાત આરોપીઓ 29 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં
મુંબઈ: પુણેના ખરાડીમાં ડ્રગ પાર્ટીમાં પકડાયેલા સાત વ્યક્તિઓને આજે અહીંની એક કોર્ટમાં હાજર કરવામાં આવતા તેમને ૨૯ જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. ફરિયાદી પક્ષે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પોલીસના છાપામાં કોકેન અને ગાંજા જેવા માદક દ્રવ્યો મળી આવ્યા હતા. આ સિવાય દારૂના સ્ત્રોત સહિત આ વસ્તુઓના સપ્લાયર શોધવા આરોપીઓની કસ્ટડી જરૂરી છે. આ ઉપરાંત પકડાયેલા સાતમાંથી બેનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ છે. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓએ ૨૫થી ૨૭ જુલાઈ દરમિયાન એક હોસ્પિટાલિટી ફર્મ દ્વારા ઉપરોક્ત એપાર્ટમેન્ટમાં ત્રણ રૂમ બુક કરાવ્યા હતા અને પોલીસે આ અંગે પૂછપરછ કરવાની જરૂર છે. પ્રાંજલના વકીલે દાવો કર્યો હતો કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ખેવલકર ડ્રગ્સનું સેવન કરતા નથી અને રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા છે.








