Get The App

મીરા ભાયંદર ડ્રગ કેસમાં રાજસ્થાનની ફેક્ટરી પર દરોડોઃ 100 કરોડનો જથ્થો જપ્ત

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
મીરા ભાયંદર ડ્રગ કેસમાં  રાજસ્થાનની  ફેક્ટરી પર દરોડોઃ 100 કરોડનો જથ્થો જપ્ત 1 - image

મીરા ભાયંદર પોલીસે ઝુનઝુનુ પહોંચીને ડ્રગ ફેકટરી શોધી કાઢી

કાશીગાંવ ડ્રગ કેસમાં 10 આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં રાજસ્થાનનું પગેરું મળ્યું - 10  કિલો એમડી ડ્રગ સહિત સામાન  જપ્ત

મુંબઈ -  મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા રાજસ્થાનના ઝુંઝુનુમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને લગભગ ૧૦૦ કરોડ રૃપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનથી આંતરરાજ્ય ડ્રગ દાણચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે.

ત્રણ મહિના પહેલા, પોલીસ મીરા-ભાયંદરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે શંકાના આધારે છ લોકોની  તપાસ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, તેમની પાસેથી આશરે  એક કરોડથી વધુની કમતનું ૫૦૧.૬ ગ્રામ એમડી ડ્રગ્સ, આઠ મોબાઇલ ફોન, ચાર મોટરસાયકલ એમ કુલ લાખો રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં કાશીગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેના આધારે, તપાસ દરમિયાન આ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ગુનામાં વપરાયેલા બે ફોર વ્હીલર, એક મોટરસાયકલ અને છ મોબાઇલ ફોન, તેમ જ લગભગ ૨૨ લાખ રૃપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

 ત્યાર બાદ, વધુ તપાસમાં ફરાર આરોપીની શોધખોળ કરતી વખતે મળેલી માહિતીના આધારે, પોલીસ ટીમ રાજસ્થાન જવા રવાના થઈ હતી. ગત  ૧૪ ડિસેમ્બરના રોજ, ઝુઝુનુમાં આરોપી અનિલ વિજયપાલ સિહાગની માલિકીની એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી હતી. આ જગ્યાએથી લગભગ ૧૦ કિલો એમડી ડ્રગ્સ, એમડી બનાવવા માટે વપરાતા પ્રી-કર્સર કેમિકલ્સ, તેમજ ફ્લાસ્ક, મિક્સર, ડ્રાયર મશીન, વજનનસ કાટા, હેન્ડ ગ્લોવ્સ, ફિલ્ટર્સ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ બધી કિંમતી વસ્તુઓની અંદાજિત કિંમત ૧૦૦ કરોડ રૃપિયા છે.  

અગાઉ તેલંગણાથી ડ્રગ ફેક્ટરી પકડાઈ હતી

પાંચ મહિના પહેલા, પોલીસે મીરા રોડ પર ડ્રગ્સની દાણચોરી કરતી ૧૦ લોકોની ગેંગની ધરપકડ કરી હતી. આરોપીઓએ માહિતી આપી હતી કે ગેંગને તેલંગાણાથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. તે મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૃ કરી હતી. આ તપાસ દરમિયાન, તેલંગાણાના ચેરાપલ્લી શહેરના નવોદયા કોલોનીમાં એક ડ્રગ ફેક્ટરી કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ ફેક્ટરી સામે કાર્યવાહી કરી હતી અને શ્રીનિવાસ વિજય વોલેટી અને તાનાજી પંઢરીનાથ પટવારીની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં, પાંચ  કિલો ૯૬૮ ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું.