Get The App

નર્મદા જિલ્લાના વરખડમાં મેફેડ્રોન ફેક્ટરી પર દરોડો : 74 કરોડનું ડ્રગ જપ્ત

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
નર્મદા જિલ્લાના વરખડમાં  મેફેડ્રોન  ફેક્ટરી પર દરોડો : 74 કરોડનું ડ્રગ જપ્ત 1 - image

અંતરિયાળ જિલ્લામાં ડ્રગ બનાવી મુંબઈ  તથા આસપાસમાં  સપ્લાય

મુંબઈમાં કેબ ચલાવતી યુવતી પાસેથી  એમડી ડ્રગ મળ્યું , તેને સપ્લાય કરનારાની ધરપકડ બાદ રાજપીપળા પાસે ઉભી કરાયેલી ફેક્ટરીની ભાળ મળી

મુમ્બ્રાના રીઢા ડ્રગ તસ્કર પપ્પુએ  ડ્રગ બનાવવાની ટેકનિક શીખી વરખડમાં ભાડાના મકાનમાં ફેક્ટરી શરુ કરીઃ પોતાનું જ વિતરણ નેટવર્ક વિકસાવ્યું

મુંબઈ  -  મુંબઈ પોલીસના સાકીનાકા પોલીસની એન્ટી નાર્કોટિક્સ સ્કવોડે ગુજરાતના નર્મદા જિલ્લાના વરખડ ગામમાં ચાલતી  મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવતી ફેકટરીનો પર્દાફાશ કર્યો હતો.  આ કાર્યવાહીમાં ૨૦ કિલોગ્રામથી વધુ લિક્વિડ એમડી, મોટી માત્રામાં રસાયણો અને સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદનમાં વપરાતા સાધનો જપ્ત કર્યો હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રુ. ૭૫ કરોડની હોવાનું કહેવાય છે. આ કેસના સંદર્ભમાં બે  શખ્સોની ધરપકડ કરાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ, સાકીનાકા પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલને ૨૧ મેના રોજ ચોક્કસ બાતમી મળી હતી કે એપ આધારિત કેબ ચાલક મહિલા અંધેરી- ઘાટકોપર લિંક રોડ પર ે ડ્રગ્સ વેચવા માટે આવશે. બાતમીના આધારે કામગીર કરતા પોલીસે આ વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું અને ૨૬ વર્ષીય મહિલા  કેબ ચાલક મુસ્કાન ખાનની ૧૦૧ ગ્રામ એમડી સાથે ધરપકડ કરવામાં આવી હતી.

મુસ્કાનની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા તેણે ખુલાસો કર્યો હતો કે  તેણે   આ ડ્રગ મુંબ્રાના રહેવાસી ૫૬ વર્ષીય વસૂલ કમર  અબ્દૂલ વફા ચૌધરીઉર્ફે પપ્પુ પાસેથી  ખરીદ્યું હતું.   છેલ્લાં ત્રણ વર્ષથી ડ્રગના વેપારમાં સંડોવણીની તેણે કબૂલાત કરી હતી.  આમાં ડ્રગ્સ સપ્લાય માટે એપ આધારિત કેબનો ઉપયોગ  કરાતો હતો. આ કામ માટે તેને ૯૦૦ થી ૧૨૦૦ રુપિયા મળતા હતા. મુસ્કાનના નિવેદનના આધારે સાકીનાકા પોલીસે ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે કામગીરી કરતા  ૨૬મેના રોજ મુંબ્રાના શિલફાટા વિસ્તારમાં દરોડો પાડીને  વસૂલ કમર  અબ્દૂલ વફા ચૌધરી ઉર્ફે પપ્પુની ધરપકડ કરી હતી.

તેની તપાસ દરમિયાન એવો ખુલાસો થયો હતો કે પપ્પુએ ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ભાડના મકાનમાં મેફેડ્રોન બનાવવા માટે એક ફેક્ટરી શરુ કરી હતી. માહિતીના આધારે સાકીનાકા પોલીસની એક વિશેષ ટીમ નર્મદા જિલ્લાના રાજપીપળા- નાંદોદ તાલુના વરખડ ગામમાં દરોડો પાડયો હતો અને તેનો નાશ કર્યો હતો.

 દરોડા દરમિયાન અધિકારીઓએ ૭૪.૪૬ કરોડની કિંમતનો ૨૦.૦૪૦ કિલોગ્રામ લિક્વિડ એમડી જપ્ત કર્યો હતો. વધુમાં પોલીસે ૨૬ કિલોગ્રામ ૨- બ્રોમો, ૪- મેથિલેનાલિલ, ૫૦ લિટર ૪- મેથિલપ્રોપિયોફેન, ૨૦ લિટર મોનોમેથિલેમાઈન, ૧૩.૫૦ લિટર બ્રોમિન અને ૩૫ લિટર કલોરોફોર્મ સહિત મોટી માત્રામાં રસાયણો જપ્ત કર્યા હતા.આ ઉપરાંત પોલીસે ડ્રગ્સ ઉત્પાદન માટે વપરાતા સાધનો પણ જપ્ત કર્યા હતા. આમાં એક સ્ટિટર મશીન, બે કોમર્શિયલ રેફ્રિજરેટર અને ગરમ ધાતુના ઉપકરણોનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કિંમત રુ. ૭૫ કરોડ હોવાનું કહેવાય છે.

 પોલીસ તપાસમાં જાણ થઈ હતી કે વઝુલ ચૌધરીએ ડોંગરીના અન્ય એક આરોપી પાસેથી મેફેડ્રોન બનાવવાની ટેકનિક શીખી હતી. ત્યારબાદ તેણે પોતાની ફેક્ટરી અને વિતરણ નેટવર્ક સ્થાપ્યું હતું અને મુંબઈના આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરુ કર્યું હતું. ચૌધરી એક રીઢો ગુનેગાર છે અને ૨૦૦૧ થી ગેરકાયદે ડ્રગ્સના વેપારમાં સક્રિય છે.   તેના પર છેલ્લા છથી સાત વર્ષથી મેફેડ્રોનનું ઉત્પાદન અને સપ્લાય કરવાની શંકા છે. સાકીનાકા પોલીસ આ રેકેટની અન્ય કડીઓ, નાણાંકીય વ્યવહારો અને વિતરણ નેટવર્કની તપાસ કરી રહી છે.