બદનક્ષી કેસમાં કોર્ટમાં હાજરીની માંગ કરતી અરજી સામે રાહુલ ગાંધીનો વિરોધ

આવી અરજીનો કોઈ કાનૂની આધાર નથી તેવી રજૂઆત
સાવરકર બદનક્ષી કેસમાં રાહુલ રુબરુ કોર્ટમાં હાજર રહે તેવી માંગ કરતી ફરિયાદની અરજીઃ વધુ સુનાવણી ત્રીજી ઓક્ટોબરે
મુંબઈ - વીર સાવરકર પર કથિત ટિપ્પમી મુદ્દે પુણેની કોર્ટમાં ચાલી રહેલા બદનક્ષી કેસમાં આરોપી તરીકે રાહુલ ગાંધી કોર્ટમાં રુબરુ હાજર રહે તેવી માગણી કરતી ફરિયાદની અરજીનો રાહુલ ગાંધીના વકીલ દ્વારા વિરોધ કરાયો હતો.
રાહુલ ગાંધી વતી એડવોકેટ મિલિંદ પવારે દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટની કોર્ટમાં હાજરી જરૃરી નથી. ગાંધીના જીવને ખતરો હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલી અરજી પવાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હોવાનો ઉલ્લેખ કરીને વી.ડી. સાવરકરના પૌત્ર અને આ કેસમાં ફરિયાદી સત્યકી સાવરકરે અગાઉ કોર્ટન રાહુલ ગાંધીને સમન્સ પાઠવવા અને ખાતરી કરવા વિનંતી કરી હતી કે તેમની અગાઉની અરજીઓ તેમના નિર્દેશો પર દાખલ કરવામાં આવી હતી કે નહીં. સોમવારે પવારે આ અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી કે આ વિનંતીનો કોઈ કાનૂની દરજ્જો નથી.
તેમણે ધ્યાન દોર્યું કે ફરિયાદીએ કોર્ટમાં ગાંધીની વ્યક્તિગત હાજરીની માંગણીને વાજબી ઠેરવવા માટે કાયદાની કોઈ જોગવાઈ કે મજબૂત કારણ આપ્યું નથી. આ અરજી એકતરફી,પાયાવિહોણી છે અને કાયદાની નજરમાં તેને સમર્થન આપી શકાય નહીં,એમ પવારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.પવારે કોર્ટને વિનંતી કરી હતી કે પહેલા ફરિયાદીને સ્પષ્ટપણે જણાવે કે અરજી કાયદાની કઈ કલમ હેઠળ દાખલ કરવામાં આવી છે.
કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૩ ઓક્ટોબરના રોજ મુલતવી રાખી છે.
ગયા મહિને રાહુલના વકીલે એવી રજૂઆત કરી હતી કે રાહુલને વીર સાવરકરના અનુયાયીઓ તરફથી જોખમ છે. જોકે, બાદમાં વકીલે આ અરજી એમ કહીને પાછી ખેંચી લીધી હતી આ અરજી રાહુલની સંમતિ વિના કરાઈ હતી.
રાહુલે ૨૦૨૩માં લંડનમાં એક ભાષણમાં એક મુસ્લિમ પર હુમલા માટે ખુશી વ્યક્ત કરી હતી તેવું નિવેદન કર્યું હતું તેના પગલે સાત્યકી સાવરકરે રાહુલ સામે બદનક્ષી કેસ કર્યો છે.








