નશામાં ધૂત MNS નેતાના પુત્ર સામે FIR, અર્ધનગ્ન હાલતમાં મહિલા અને પોલીસ સાથે કરી હતી અભદ્રતા
Rahil Sheikh Viral Video: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાના પુત્રનો વીડિયો સોમવારે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. નેતાજીનો નબીરો અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર મહિલાને અભદ્ર ભાષામાં ધમકાવી રહ્યો હતો અને 'પપ્પા જોઈ લેશે' એવું પણ કહ્યું હતું. ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ આખરે યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસે જણાવ્યું છે, કે 'રાહિલ શેખ વિરુદ્ધ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી, દારૂ પીને ડ્રાઇવિંગ કરવા સહિતના ગુનામાં FIR દાખલ કરવામાં આવી છે. રાહિલની કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે.'
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે મનસે નેતા જાવેદ શેખના દીકરા રાહિલ શેખનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. રાહિલ નશામાં ધૂત અને અર્ધનગ્ન હાલતમાં ગાડીમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. અભિનેત્રી રાજશ્રી મોરેએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો જેમાં રાહિલ ગાળો સાથે મહિલાને ધમકી આપી રહ્યો છે. પોલીસ કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા તો રાહિલે પોલીસને પણ ધમકીઓ આપી.