Get The App

બાકી ગેસ બિલના નામે એપીકે ફાઈલ મોકલી બેન્ક ખાતાં ખાલી કરવાનું રેકેટ

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
બાકી ગેસ બિલના નામે એપીકે ફાઈલ મોકલી બેન્ક  ખાતાં ખાલી  કરવાનું રેકેટ 1 - image

બે સપ્તાહમાં જ જુદા જુદા કેસોમાં ૩૫ લાખ રુપિયા ઉપડી ગયા

ગેસ ગ્રાહકોને કનેક્શન કાપી નખાશે તેવી ધમકીના એકસરખા મેસેજઃ નકલી એપ અથવા બેન્કિંગ વિગતો મેળવી  પૈસા ઉસેડી લેવાય છે

મુંબઈ -   સાયબર ગેંગ મહાનગર ગેસ લિમિટેડના અધિકારી હોવાનો ડોળ કરીને લોકોને  તેમના ગેસ બિલ બાકી હોવાનો ખોટો દાવો કરીને છેતરપિંડી કરી રહી છે. ગેસ સપ્લાય બંધ કરવાના ધમકીભર્યા સંદેશાઓનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો વોટ્સએપ અને ફોન કોલ્સ દ્વારા લિંક્સ અને એપીકે  ફાઇલો મોકલી  પીડિતોના મોબાઇલ ફોનની અક્સેસ મેળવી તેમના બેંક ખાતાઓમાંથી લાખો રૃપિયા કાઢી લેવાના તાજેતરના અઠવાડિયામાં અનેક બનાવ બન્યા છે. 

પોલીસે જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં આવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે.પીડિતોએ ગેસ બિલ ચુકવણી અપડેટ કરવાના બહાને નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરતા  અથવા ખાનગી  બેંકિંગ વિગતો આપતા લાખો રૃપિયા ગુમાવ્યા છે.

 પાર્ક સાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ ૧૧ માર્ચે સાયબર ગુનેગારોએ ઘાટકોપર પશ્ચિમના અમૃત નગરના રહેવાસી બાવન વર્ષીય હાઉસકીપિંગ બિઝનેસમેનને નિશાન બનાવ્યા હતા. છેતરપિંડી કરનારાઓએ તેમને એક વોટ્સએપ નોટિસ મોકલી હતી.એમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું ગેસ બિલ અપડેટ કરવામાં આવ્યું નથી અને ચેતવણી આપવામાં આવી હતી કે તેમનું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે.આરોપીઓએ શેર કરેલી લિંક પર ક્લિક કર્યા પછી તેમના બેંક ખાતામાંથી રૃ.૪.૮૪   લાખ કાઢી લેવામાં આવ્યા હતા. 

બીજી એક ઘટનામાં  કુર્લા પૂર્વના કામગર નગરમાં રહેતા ૪૫  વર્ષીય આસિસ્ટન્ટ મેનેજરને ગેસ સપ્લાય કાપી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને એક એપીકે  ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું.આ ફાઈલ  ઇન્સ્ટોલ થઈ ગયા પછી  સાયબર ગેંગે  તેમના મોબાઇલ ફોનનો રિમોટ એક્સેસ મેળવ્યો અને ખાતામાંથી ૨.૭૫  લાખ રૃપિયા ઉપાડી લીધા હતા.આ ઘટનાના સંદર્ભમાં નેહરુ નગર પોલીસે કેસ નોંધ્યો છે. ૮ માર્ચના રોજ કાંજુરમાર્ગના ૩૩ વર્ષીય યુવાનને મહાનગર ગેસ બિલ અપડેટ ઓનલાઈન એપ નામની એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે ફોન આવ્યો હતો. તેને બિલ અપડેટ કરવા માટે ૧૨ રૃપિયાની નજીવી રકમ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.પરંતુ ઠગ ટોળકીએ  તેમના ખાતામાંથી રૃ.૨.૮૨ લાખ કાઢી લીધા હતા.આ મામલે  પાર્ક સાઈટ પોલીસે  કેસ નોંધીને તપાસ શરૃ કરી છે.

 આવી જ રીતે ઘાટકોપરની ૪૭  વર્ષીય મહિલાને મહાનગર ગેસ કંપનીના દિવેશ શર્મા તરીકે ઓળખાવતા એક ફોન કરનારે બિલ અપડેટ માટે એપીકે ફાઇલ મોકલી હતી.જેના કારણે તેમની  સાથે રૃ. ૩.૬  લાખની છેતરપિંડી થઈ હતી. ઘાટકોપર પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

અન્ય એક કેસમાં પરેલના ૫૪  ફરિયાદીને ૬  માર્ચે એક મેસેજ  મળ્યો હતો.એમાં કહેવામાં આવ્યું હતું કે તેમના ગેસ બિલની ચુકવણી બાકી છે. વીડિયો કોલ દરમિયાન છેતરપિંડી કરનારાઓએ ફરિયાદીને  તેમના ફોન પર ફોનપે એપ્લિકેશન ખોલવાનું કહ્યું હતું.ત્યારબાદ તેમના ખાતામાંથી રૃ.૭.૩૨ લાખ આરોપીને  ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ભોઇવાડા પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

 કાલાચોકી પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર મુજબ ૭૦  વર્ષીય વૃધ્ધને એક વોટ્સએપ મેસેજ  મળ્યો એમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું ગેસ બિલ બાકી છે.તેની સાથે મહાનગર ગેસ બિલ અપડેટ ઓનલાઈન એપ  નામની એપીકે  ફાઇલ પણ હતી. આ ફાઇલ ઇન્સ્ટોલ કર્યા પછી  તેમનો ફોન હેક કરવામાં આવ્યો અને  એકાઉન્ટમાંથી રૃ.૬.૯૦ લાખ કાઢી લેવામાં આવ્યા હતા. 

     બીજા એક કેસમાં  વિક્રોલીની એક કંપનીમાં કામ કરતા અને અંધેરીમાં રહેતા ૪૨  વર્ષીય આસિસ્ટન્ટ મેનેજરને ૨૪ ફેેબુ્રઆરીએ એક વોટ્સએપ નોટિસ મળી હતી.સાયબર ગુનેગારોએ તેમને ગૂગલ પર એમજીએલ વેબસાઇટ શોધવા અને બિલડેસ્ક પેમેન્ટ પેજ પર તેમનો ગેસ ગ્રાહક નંબર અને બેંક વિગતો દાખલ કરવા સૂચના આપી હતી.બાદમાં તેમની સાથે રૃ.બે  લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.પાર્ક સાઇટ પોલીસે કેસ નોંધીને તપાસ શરૃ કરી છે.

   દરમિયાન, પરેલના  ૪૫  વર્ષીય રહેવાસીને આરોપીએ  ફોન કરીને ગેસ બિલ અપડેટ કરવા માટે એક લિંક મોકલી હતી. લિંક ડાઉનલોડ કર્યા પછી તેનો ફોન હેક કરવામાં આવ્યો હતો અને બેંક ખાતામાંથી રૃ.૨.૨૫ લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા.

 પોલીસે નાગરિકોને સાવધ રહેવા અને એપીકે ફાઇલો ડાઉનલોડ કરવાનું ટાળવા અથવા વોટ્સએપ દ્વારા મોકલવામાં આવતી શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ના કરવાની  વિનંતી કરી છે . આ તમામ કેસોની તપાસ ચાલુ છે.