નીટ પરીક્ષાને લીધે સેન્ટર ઉપલબ્ધ ન હોવાથી ઓનલાઈન લેવાઈ
એમ.એ. એજ્યુકેશનમાં ૨૦ વિદ્યાર્થીઓને ૧૦૦માંથી ૧૦૦, ફિઝિક્સ
અને ગણિતમાં પણ અનેકને ૯૦થી વધુ માર્ક્સ
મુંબઈ - સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી
(એસપીપીયુ)ની ૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષ માટે યોજાયેલી ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામ (ઓઈઈ)ને
લઈને વિવાદ ઊભો થયો છે. પરીક્ષાના પરિણામોમાં કેટલાક અભ્યાસક્રમોમાં અસામાન્ય રીતે
ઊંચા ગુણ મળતાં વિદ્યાર્થીઓએ ગેરરીતિની શંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને એમ.એ. એજ્યુકેશન
કોર્સમાં ૨૦ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા હોવાનું સામે આવતા પરીક્ષાની વિશ્વસનીયતા
અંગે પ્રશ્નો ઉઠયા છે.
વિદ્યાર્થીઓ અને કેટલાક શિક્ષણવિદોનું કહેવું છે કે ઓનલાઈન મોડમાં
લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારોએ કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) આધારિત સાધનોનો ઉપયોગ
કર્યો હોવાની શક્યતા નકારી શકાય નહીં. ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અન્ય કેટલાક વિષયોમાં
પણ અપેક્ષાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર હોવાનું જણાવાયું છે,
જેના કારણે પરીક્ષાની પારદર્શકતા અંગે ચર્ચા તેજ બની છે. એમ.એ
ઈંગ્લિશના પ્રવેશ માટે એક વિદ્યાર્થીને ૧૦૦ માર્ક તો ૪૬ વિદ્યાર્થીને ૯૦થી વધુ
માર્ક છે.ભૌતિકશાસ્ત્રમાં ૪૧ વિદ્યાર્થીને ૯૦થી વધુ તો એક વિદ્યાર્થીને ૧૦૦ માર્ક
છે. જ્યારે ગણિતમાં ૨૮ વિદ્યાર્થીઓને ૯૦થી વધુ માર્ક આવેલ છે.
આ પરીક્ષા ૧૧થી ૧૩ જૂન દરમિયાન ઓનલાઈન હ્યુમન-પ્રોક્ટર્ડ મોડમાં લેવામાં
આવી હતી. અગાઉ કેન્દ્ર આધારિત પરીક્ષાની પદ્ધતિને બદલે ઓનલાઈન મોડ અપનાવવામાં આવ્યો
હતો, પરંતુ હવે આ જ પદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે
ટેક્નોલોજીનો દુરુપયોગ થવાથી પ્રામાણિક ઉમેદવારોને નુકસાન થયું છે અને મેરિટ
પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. જોકે યુનિવર્સિટીનું કહેવું છે કે, નીટની પરીક્ષાને લીધે સેન્ટર ઉપલબ્ધ ન હોવાથી પરીક્ષા ઓનલાઈન લેવી પડી
હતી.
પરિણામોને લઈને વધતા અસંતોષ વચ્ચે અનેક વિદ્યાર્થીઓએ સમગ્ર મામલાની
સ્વતંત્ર તપાસ અને શંકાસ્પદ પરિણામોની ચકાસણી કરવાની માંગ કરી છે. સાથે જ, પરીક્ષા
ફરીથી યોજવા અથવા અસરગ્રસ્ત કોર્સ માટે ફેરપરીક્ષા લેવાની માંગ પણ ઉઠી છે. યુનિવસટી
પ્રશાસન પર હવે આક્ષેપોની ગંભીરતાથી તપાસ કરી યોગ્ય નિર્ણય લેવાનું દબાણ વધી
રહ્યું છે.


