અનેક માર્ગો જળબંબાકાર, અસંખ્ય વાહનો ફસાયાં
એક કલાકમાં જ અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો ઃ વૃક્ષ તૂટી પડતાં એકનું મોતઃ સમગ્ર શહેરમાં અંધારપટ છવાયોઃ
નાસિક સહિત અન્ય શહેરોમાં પણ વરસાદઃ સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
મુંબઇ - આજ ે પુણે શહેરને અને જિલ્લાને ભારે તોફાની હવામાનની પ્રચંડ થપાટ વાગી હતી. આજે બપોરે ત્રણ વાગે પુણે શહેરમાં મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકાભડાકા, ૫૦ -૬૦ કિલોમીટરની તોફાની ગતિએ પવનના સૂસવાટા સાથે ભારે તોફાની વરસાદ અને કરાનું જાણે કે તાંડવ સર્જાયું હોય તેવો બિહામણો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદનું જોર એટલું બધું હતું કે આખા પુણે શહેરમાં અને પરાં વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં. પુણે શહેર સહિત પેઠ, મગરપટ્ટા, કોંઢવા, કોથરુડ, કાત્રજ, સેનાપતિ બાપટ રોડ, પુણે યુનિવર્સિટી, શિવાજીનગર, બીબવેવાડી સહિત છેક પીંપરી -- ચીંચવડ સુધી ગાજવીજ અને તોફાની પવન સાથે માવઠું થયું હતું.
આટલું ઓછું હોય તેમ પુણે શહેરના વાતાવરણમાં અચાનક જ અંધારપટ છવાઇ ગયો હતો. આમ હવામાનમાં અચાનક થયેલા આવા તોફાની ફેરફારથી પુણેકરો રીતસર હેબતાઇ ગયાં હતાં. એમ કહો કે પુણેવાસીઓમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું.
આ તમામ વિસ્તારમાં રસ્તા, ઘર, બજાર, મોલ્સ વગેરેમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. અમુક નીચાણવાળા વિસ્તારોમાં તો એટલાં બધાં વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં કે મોટર સહિત નાનાં વાહન પણ ડૂબી ગયાં હોવાના સમાચાર મળે છે.
હવામાન વિભાગ(પુણે કેન્દ્ર)ના હવામાનની આગાહી વિભાગના વડા(નિવૃત્ત) ડો.અનુપમ કશ્યપીએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે બપોરે ત્રણેક વાગે પુણેના હવામાનમાં અચાનક અને ભારે તોફાની પલટો આવ્યો હતો. પુણેના ગગનમાં ૧૨ -૧૩ કિલોમીટરના અંતરે ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ(જેને હવામાનશાસ્ત્રની ભાષામાં સીબી ક્લાઉડ કહેવાય છે) નો જબરો જમઘટ જામ્યો હતો.
હવામાનના આવા તોફાની પલટાથી પુણે શહેરમાં ૬૫ મિલિમીટર(૨.૫ ઇંચ) જેટલો વરસાદ વરસ્યો હતો. સાથોસાથ ૫૦ -૬૦ કિલોમીટરની ભારે તીવ્ર ગતિએ પવન પણ ફૂંકાયો હતો. ઉપરાંત મેઘગર્જના અને વીજળીના મગજની નસો ફાડી નાખે તેવા વીજળીના કડાકાભડાકાથી આખું પુણે શહેર હચમચી ગયું હતું. જાણે કે પુણે પર વરુણ દેવ અને પવન દેવ બંનેનો એક સાથે કોપ ઉતર્યો હોય તેવો ડરામણો માહોલ સર્જાયો હતો.
સીબી ક્લાઉડ ભારે તોફાની ગણાય છે. વરસાદી જળના વિશાળ ભંડારસમું સીબી ક્લાઉડ તેની પૂરી તાકાતથી વરસે ત્યારે જે તે વિસ્તારને વેરવિખેર કરી નાખે છે. એમ કહો કે તબાહ કરી નાખે. આજે પુણેને આ જ સીબી ક્લાઉડનો તોફાની મિજાજનો બિહામણો અનુભવ થયો હતો.
આજે પુણેના શિવાજીનગરમાં ૬૫ મિલિમીટર, હડપસર-૪૨.૫.પાષાણ-૩૬.૩, દાપોદી-૨૯.૦, ચીંચવડ-૨૮.૫, મિલાન-૧૮.૫, દુદલગાંવ-૧૩.૫, નિમગિરિ-૧૩.૦, નારાયણ ગાંવ-૧૨.૦, તળેગાંવ-૬.૫, રાજગુરુનગર-૪.૫ વરસાદ વરસ્યો હતો.
બીજીબાજુ હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે આવતા ચાર દિવસ(૩થી ૬ - એપ્રિલ) દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર(ધુળે,જળગાંવ, નંદુરબાર, નાશિક, અહિલ્યાનગર, પુણે), મરાઠવાડા(છત્રપતિ સંભાજીનગર, જાલના ,પરભણી, બીડ, હિંગોળી, નાંદેડ, ધારાશિવ) સહિત વિદર્ભના મોટાભાગમાં પણ ગાજવીજ, તીવ્ર પવન સાથે વરસાદ -- કરાનું તોફાની વાતાવરણ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. મહારાષ્ટ્રના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવી છે.
હાલ તામિલનાડુથી કર્ણાટક થઇને કોંકણ સુધીના ગગનમાં હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. સાથોસાથ રાજસ્થાનથી ગુજરાત પર પણ હવાના હળવા દબાણનોપટ્ટો સર્જાયો છે. ઉપરાંત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારે તીવ્ર અસર પણ છે. સાથોસાથ બે વિરુદ્ધ દિશાના પવનોની પણ જબરી ટક્કર થઇ રહી છે.
આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની ભારે તોફાની અસરથી મહારાષ્ટ્રનું હવામાન ઉપરતળે થઇ રહ્યું છે.
આજે બપોર બાદ મુંબઇના આકાશમાં પણ કાળાં વાદળો ઉમટયાં હોવાથી વાતાવરણ અંધારિયું થઇ ગયું હતું. સાથોસાથ, આજે સવારથી જ મુંબઇમાં ૨૫ કિલોમીટરની તીવ્ર ગતિએ ઠંડા પવનો પણ ફૂંકાયા હતા. ટાઢા પવનોથી મુંબઇગરાંને ગરમી અને ઉકળાટના વાતાવરણમાં ઘણી રાહત રહી હતી.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૭ અને લઘુત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૧.૮ અને લઘુત્તમ તાપમાન ૨૩.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૧ -૭૫ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૪ -૬૮ ટકા જેટલું ઘણું વધુ રહ્યું હતું.


