ખાનગી હોસ્પિટલના ચાર ડોકટરો સામે ગુનો નોંધાયો
ઓપરેશન બાદ મહિલાની તબિયત વધુ લથડી ઃ ચેક અપ કરાવ્યું ત્યારે જાણ થઈ
મુંબઈ - પુણેમાં ૩૫ વર્ષીય મહિલાના ગર્ભાશયમાં ગાંઠ દૂર કરવા માટે ઓપરેશન દરમિયાન ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ ગાંઠ દૂર કરવાને બદલે પીડિતાનું ગર્ભાશય જ કાઢી નાખ્યુ હતું. આ કેસમાં મંજરી પોલીસે ખાનગી હોસ્પિટલમાં ચાર ડોક્ટરો સામે કેસ નોંધ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ૩૫ વર્ષીય મહિલા જે પુણેમાં બ્યુટી પાર્લર ચલાવે છે. તેને ગર્ભાશયમાં ગાંઠ થઈ હોવાથી તેને કાઢવા માટે સર્જરી માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આમાં ઓપરેશન દરમિયાન ડોકટરોએ ગાંઠ કાઢવાના બદલે ગર્ભાશય જ કાઢી નાખ્યું હતું. આ બાદ તેને બે દિવસમાં રજા આપવામાં આવી હતી.
જો કે, થોડા દિવસ બાદ પીડિતાને ફરી તકલીફ ઉભી થતાં તેણે ફરી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે સોનોગ્રાફી રિપોર્ટ તપાસતા ડોક્ટરોએ તેનું ગર્ભાશય કાઢી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ બાદ પીડિતાએ આ અંગે મંજરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીર નોંધ લેતા પોલીસે હોસ્પિટલ પાસેથી તબીબી દસ્તાવેજો, સંમતિ ફોર્મ અને સર્જિકલ રિપોર્ટ માંગ્યો હતો.
વધુમાં આ કેસમાં હોસ્પટિલના ડો. સંદીપ કરાડ, ડો. મંદાર સાહુજી, ડો. નિહાલ શેખ અને ડો. શહેઝાદ શેખ વિરુદ્ધ દર્દીના જીવને જોખમમાં મૂકવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ (૮) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ઉપરાંત નિષ્ણાંત ડોક્ટરોની એક તપાસ સમિતિની પણ નિંમણૂક કરવામાં આવી હતી. સમિતિના જણાવ્યા મુજબ, આ કેસમાં તબીબી બેદરકારી કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.


