પોલીસ દ્વારા હુમલો અને જાતિવાદી ટિપ્પણી
ગુમ મહિલાની તપાસને બહાને ઓળખ આપ્યા વિના સતામણી થયાનો દાવો
મુંબઈ - પુણેની એક કોર્ટે બે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનના આરોપો પર પોલીસને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે, જેમણે દાવો કર્યો હતો કે પોલીસ કર્મચારીઓએ ગુમ થયેલી મહિલાના કેસની તપાસ કરતી વખતે તેમના પર હુમલો કર્યો હતો અને જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી.
આ કથિત ઘટના ઓગસ્ટમાં બની હતી પરંતુ કોથરુડ પોલીસે જણાવ્યું હતું કે ઉત્પીડનના તેના દાવાઓ સાબિત થયા નથી અને કોઈ કેસ બની શકતો નથી જેના કારણે એક મહિલાએ ખાનગી ફરિયાદ સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો. ૧૧ નવેમ્બરના રોજ સેશન્સ કોર્ટનો આદેશ શનિવારે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં કોથરુડ પોલીસને મહિલાની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવા અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે છત્રપતિ સંભાજીનગરની ગુમ થયેલી મહિલાના કેસની તપાસ કરતી વખતે પોલીસ કર્મચારીઓએ તેને અને તેના ફ્લેટમેટને હેરાન કર્યા હતા અને જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી. ગુમ મહિલો પુણેમાં તેમની સાથે થોડા સમય માટે રહી હતી.
તે સમયે બે મહિલાઓએ સ્થાનિક કાર્યકરો સાથે પોલીસ કમિશનરેટની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કોથરુડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
બાદમાં પુણે પોલીસે આઠ કાર્યકર્તાઓ સામે ગેરકાયદે ભેગા થવા, સરકારી કર્મચારીને અવરોધવા અને મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધ્યો હતો.
મહિલાએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં દાવો કર્યોે હતો કે પોલીસ કર્મચારીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા, તેના અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો, તેની નમ્રતા ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના વિરુદ્ધ જાતિવાદી અપશબ્દો બોલ્યા હતા.
એડિશનલ સેશન જજ એચ.કે. ભાલેરાવે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં જનરલ ડાયરીની વિગતો દર્શાવે છે કે પ્રતિવાદીઓ (પોલીસ) ગુમ થયેલી છોકરીને શોધવા ગયા હતા હતા. ગુમ થયેલી છોકરીને શોધવાના બહાને પ્રતિવાદીઓ કોઈપણ છોકરીના ઘરમાં ઘૂસી તેમની ઓળખ જાહેર કર્યા વિના તેના ઘરની તલાશી લઈ શકે નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે પોલીસનું વર્તન કાયદામાં વાજબી ઠેરવી શકાય નહીં, અને અરજીની સામગ્રી અને અરજીના સમર્થનમાં સોગંદનામું દર્શાવે છે કે એક દખલપાત્ર ગુનો બન્યો હતો.


