પુણેના કન્ટેનરની બ્રેક ફેઈલ થતાં 15 વાહનોને ટક્કર બાદ આગ: આઠનાં મોત

- બેંગ્લોર હાઈવે પરના નવેલ બ્રિજ સેલ્ફી પોઈન્ટ પર દુર્ઘટના
- બે કન્ટે્નર ટ્રક વચ્ચે ફસાયેલી કારમાં આગ લાગતાં ચાર લોકો બળીને ખાક: અનેક વાહન આગમાં લપેટાતાં ભયાવહ દ્રશ્યો
મુંબઈ : મુંબઈ- બેંગ્લોર હાઈવે પર નવેલ બ્રિજ સેલ્ફી પોઈન્ટ પર આજે સાંજે એક કન્ટેનરનું બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતી દેતા અનેક વાહનોને ટક્કર મારી હતી. વધુમાં બે કન્ટેનર ટ્રકો વચ્ચે એક ફોર વ્હીલર ફસાઈ જતાં તેમાં આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ ભીષણ બનતા આસપાસના અન્ય વાહનોમાં ફેલાઈ ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો સહિત આઠના મોત નીપજ્યા હતા. તો વીસ લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત ગુરુવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બેંગલુરુ- મુંબઈ નેશનલ હાઈવે ચાર પર નવલે બ્રિજ પર બન્યો હતો. ઘટના મુજબ, એક કન્ટેનર ચાલકે ગાવગડા હોટલની સામેથી નવલે બ્રિજ સેલ્ફી પોઈન્ટ પરથી પસાર થતાં સમયે બ્રેક ફેલ થઈ જતાં વાહન પરનો કાબુ ગુમાવતા ૧૦ થી ૧૫ વાહનોને ટક્કર મારી હતી અને બે કન્ટેનર ટ્રકો વચ્ચે સ્વિફ્ટ કાર ફસાઈ જતાં તેમાં આગ લાગી ગઈ હતી.
આ બાદ થોડી જ વારમાં આગ ભીષણ બનતા કન્ટેનર ટ્રકમાં સહિત અનેક વાહનોમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન થતાં અને આગ ભભૂકી ઉઠતાં તેમાં સવાર ડ્રાઈવર સહિત ચારેય લોકો બળીને ખાખ થઈ જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ અકસ્માતમાં કન્ટેનર ચાલકનું પણ મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગ, પોલીસની ટીમ અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બાદ બચાવ કામગીરી કરતા પાણીનો મારો ચલાવતા ઘણા કલાકોની જહેમત બાદ સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યો હતો અને રાત્રે ૭ વાગ્યાની આસપાસ ક્રેનની મદદથી કન્ટેનર વચ્ચે ફસાયેલ કારનો કાટમાળ કાઢીને તેમાંથી ફાયર વિભાગે ચાર મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
કારમાં સવાર ચારેય લોકો બળીને ખાક થઈ ગયા હતા. પ્રાથમિક તપાસ મુજબ, કારમાં સવાર ડ્રાઈવર એક પત્ની- પત્ની અને તેના બાળકના મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામની ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજ્યા હતું. વધુમાં પંદરથી વીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતાં મરણાંક વધવાની શક્યતા છે.
આ અકસ્માતમાં એક કાર, રિક્ષા, ટુ વ્હીલર અને કન્ટેનર ટ્રકોને વ્યાપક નુકસાન થયું હતું. ફાયર વિભાગના પ્રાથમિક જણાવ્યા મુજબ, ૧૫ થી ૨૦ વાહનોની અહીં અથડામણ થઈ હોવાની આશંકા છે.આ ઘટનાનો વિડીયો ત્યાં હાજર સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો હતો.
દરમિયાન પીકઅવર્સમાં આ અકસ્માત સર્જાતા પુણે સિંહગઢ રોડ, વારજે અને કટરાજ દેહુ બાયપાસ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર હાઈવે પર અનેક વાહનોોના તૂટેલા પાર્ટસ તથા અન્ય સામાન વેરાયાં હતાં.
આ અકસ્માતનું ચોક્કસ કારણ હાલ અસ્પષ્ટ છે. પોલીસે અને ફાયર વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. તો પુણેના નવલે બ્રિજ પર આ અકસ્માત પ્રથમ નથી. આ અગાઉ પણ બ્રિજ પર અકસ્માતો સર્જાયા છે. ખામીયુક્ત હાઈવે આ અકસ્માતનું મુખ્ય કારણ છે. સતારાથી પુણે તરફ આળતા સમયે કટરાજ ટનલ પછી હાઈવે પર ઢાળ છે. આ જગ્યાએ હાઈવે પર જોખમી વળાંક છે. આ ઢાળને કારણે ઘણી વાર ભારે વાહન કાબુ ગુમાવતા અકસ્માત સર્જાય છે.
આ અકસ્માત બાદ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણવીસે એક પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. વધુમાં જીવ ગુમાવનારા લોકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરુ છું અને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને પાંચ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

