જમીનનો બારોબાર કબજો અપાવનારા વાલિવના પીએસઆઈ સસ્પેન્ડ
જમીન માલિક પર ખોટો કેસ પણ કર્યો
પીએસઆઈ રાણે અગાઉ નકલી ડિગ્રી સહિતના કેસોમાં પણ વિવાદમાં આવ્યા હતા
મુંબઈ - વાલિવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સંદેશ રાણેને ગુરુવારે સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંદેશ રાણે પર એક ઉદ્યોગપતિ સામે ખોટો કેસ દાખલ કરવાનો અને તેમની જમીનનો કબજો અન્ય વ્યક્તિને આપવાનો આરોપ છે.
ફરિયાદી દીપક ગામી ખારમાં રહે છે. તેઓ વસઈ પૂર્વના ગોખીવારેમાં સર્વે નંબર ૨૨/૩, ૨૩/૫ પર જમીન ધરાવે છે. સુશીલ જૈને આ જમીનનો દાવો કર્યા બાદ વિવાદ ચાલી રહ્યો હતો. સુરક્ષાના કારણોસર, ગામીએ આ જમીન પર એક કન્ટેનર મૂક્યું હતું અને સુરક્ષા ગાર્ડની નિમણૂક કરી હતી. સુશીલ જૈને વાલીવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સંદેશ રાણેનો સંપર્ક કર્યો હતો. રાણેએ તે જગ્યાએથી કન્ટેનર હટાવ્યું અને ગેરકાયદેસર રીતે સુરક્ષા ગાર્ડને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. રાણેએ જૈનને આ જમીનનો કબજો આપ્યો. જ્યારે ગામી જમીનના માલિક હતા, ત્યારે રાણેએ જૈનની ખોટી ફરિયાદના આધારે ગામી સામે કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં ગામી પોલીસ કમિશનરને મળ્યા અને તેમને આ બાબતની જાણ કરી હતી. એવું જાણવા મળ્યું કે રાણેએ આ કરતી વખતે સ્ટેશન ડાયરી પણ નોંધી ન હતી. રાણે પર સિવિલ કેસમાં દખલ કરીને ગેરકાયદેસર રીતે જમીન અન્ય વ્યક્તિને અપાવવાનો આરોપ છે. વધારાના પોલીસ કમિશનર દત્તાત્રય શિંદેએ રાણેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. રાણેની કારકિર્દી વિવાદાસ્પદ રહી છે. નકલી યુનિવસટી ડિગ્રી કેસ અને દારૃ કૌભાંડ કેસમાં પણ તેમની તપાસ ચાલી રહી છે.