નવી મુંબઈમાં 50 હજારની લાંચ લેતા પીએસઆઈ અને તેના સહાયકની ધરપકડ

પોલીસ અધિકારી કારની અંદર લાંચ લેતા પકડાયા
આરોપી સામે વધુ ગુના નોંધીને, તેના જામીન અટકાવીને તેની ધરપકડ કરવામાં આવશે એવી ધમકી આપી
મુંબઈ - નવી મુંબઈના પનવેલમાં ફરિયાદીના પિતા વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં કલમ વધારવાની, જામીન નામંજૂર કરવાની અને ધરપકડ કરવાની ધમકી આપીને રુ. ૫૦ હજારની લાંચ લેવા બદલ એસીબીની ટીમે પોલીસ સબ ઈન્સ્ટપેક્ટર (કલસ ૨) અને તેના સહાયકની ધરપકડ કરવામાં આવી હતી.
વિગત મુજબ, સોમવારે રાત્રે જૂના પનવેલના શિવાજી ચોક ખાતે કારની અંદરથી લાંચ લેતા સબ- ઈન્સ્પેક્ટર સચિન વાયકર અને તેમના સહાયક રવિન્દ્ર બટ્ટેને રંગે હાથે પકડી પાડયા હતા.
ફરિયાદ મુજબ, પનવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના પિતા વિરુદ્ધ જમીનના માલિકીના દસ્તાવેજો અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. સંબંધિત કેસ નોંધાયા બાદ સબ ઈન્સ્પેક્ટર વાયકરે તપાસ દરમિયાન ફરિયાદીને તેના પિતા સામે વધુ કલમો વધારાવાની, તેના જામીન નામુંજર કરવાની અને ધરપકડની ધમકી આપી હતી. વધુમાં આ બધાથી બચવા માટે શરુઆતમાં રુ.એક લાખની લાંચની માંગ કરી હતી. જે બાદમાં રુ.૫૦ હજારમાં ડીલ ફાઈનલ થઈ હતી.
આ ઘટના બાદ ડર અને હેરાનગતિનો અનુભવ થતાં ફરિયાદીએ સોમવારે એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીએ પોલીસ અધિકારી અને તેના સહાયક પર ભ્રષ્ટાચાર નિવારણ કાયદાના સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ધરપકડ બાદ આ મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.









