આંદોલનકારીઓ ગુલાલની છોળો અને બેન્ડના તાલે માર્ગો પર નાચી ઉઠયા

સાઉથ મુંબઈના માર્ગો પર વિજયોત્સવનો માહોલ
અમે સરખું ન ભણ્યા પણ અમારા સંતાનોને વધુ સારી તક મળશે એમ કહી કેટલાક આંદોલનકારી રડી પડયા
મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે આંદોલનકારી મનોજ જરાંગેની મોટા ભાગની માંગણીઓ મંગળવારે સ્વીકારી તે પછી ઐતિહાસિક આઝાદ મેદાન પર વિજયની ખુશી અને ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જરાંગેએ પોતાના ટેકેદારોને કહ્યું હતું કે 'જીતલો રે રાજે હો આપણ' (આપણે જીતી ગયા છે, મારા મિત્ર) અને હજારો આંદોલનકારીઓની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે જરાંગેની જાહેરાતનું સ્વાગત કર્યં હતું. જરાંગેએ કેબિનેટ સબકમિટીનો મુસદ્દો વાંચી સંભળાવ્યો હતો. ટેકેદારોએ અને છત્રપતિ શિવાજી મહારાજનો જય જયકાર કરતા સૂત્રોચ્ચાર કર્યો હતો. ટેકેદારોએ હલગી તરીકે ઓળખાતી ઢોલકી પર ડાન્સ કર્યો હતો.
ગયા સપ્તાહમાં હજારો મરાઠા આંદોલનકારીઓ જરાંગેની ભૂખહડતાળના સમર્થનમાં આઝાદ મેદાન આવ્યા હતા. મહારાષ્ટ્રના જળસંસાધન પ્રધાન રાધાકૃષ્ણા વિખે પાટિલ અને કેબિનેટ સબકમિટીના અન્ય સભ્યો બપોરે જરાંગેને મળ્યા હતા અને કમિટીએ નક્કી કરેલા મુસદ્દા અંગે ચર્ચા કરી હતી. હૈદ્રાબાદ ગેઝેટનો અમલ કરવાની જરાંગેની માંગણી સબકમિટીએ સ્વીકારી હતી. બરાબર તપાસ કર્યા પછી કુણબી રેકોડર્સ ધરાવનારાને કાસ્ટ સર્ટિફિકેટ્સ આપવામાં આવશે. તેવુ તેવુ સબકમિટી વતી કહેવામાં આવ્યું હતું.
આ અંગેનો જીઆર (ગવનેમેન્ટ રિઝોલ્યુશન-સરકારી ઠરાવ) ટુંક સમયમાં બહાર પાડવામાં આવશે તેવું સબકમિટી વતી કહેવામાં આવ્યું હતું.
બીડ જિલ્લાના રાજેગાવનો એક ખેડૂત વિરોધ આંદોલનમાં જોડાવા પાંચ દિવસ અગાઉ જોડાયો હતો. આ ખેડૂતે કહ્યું કે હું ખેડૂત છું અને મારો સમય તો વીતી ગયો છે, પણ માગણી સ્વીકારવામાં આવી છે તે પછી મારા બાળકોને સારુ શિક્ષણ મળશે. સારુ શિક્ષણ મેળવવા મારે ઘણો સંઘર્ષ કરવો પડયો હતો પણ હવે અમને સારુ શિક્ષણ અને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી નહીં પડે.
બીડના માજલગાવના એક અન્ય ખેડૂતે કહ્યું કે અનામતથી તેના બાળકોને મદદ થશે અને તેમનું જીવન બહેતર થશે. નાંદેડ જિલ્લાથી આવેલા એક અન્ય ખેડૂતે કહ્યું કે અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી તે બદલ હું સરકારનો આભારી છું. સરકારના વલણથી હું ખુશ છું.
કેસરી સ્કાર્ફ પહેરેલ સેંકડો આંદોલનકારીઓ બીએમસીના ભવન સીએસએમટી સામે અને આઝાદ મેદાનના આસપાસના વિસ્તારોમાં ફર્યા હતા અને હવામાં ગુલાલ ઉછાળ્યો હતો અને બેન્ડમ્યુઝિક સાથે ઉજવણી કરી હતી.









