આઝાદ મેદાનમાં નબળી સુવિધાઓ હોવાની આંદોલનકારીઓની ફરિયાદ

મરાઠા ક્વોટા આરક્ષણ માટે આંદોલન
બીએમસીએ પૂરતી વ્યવસ્થા કરી હોવાનો વળતો દાવો કર્યો
મુંબઈ - મુંબઈના આઝાદ મેદાનમાં મનોજ જરંગેની આગેવાની હેઠળના મરાઠા ક્વોટા આંદોલન માટે એકઠા થયેલા પ્રદર્શનકારીઓએ સ્થળ પર મૂળભૂત સુવિધાઓનો અભાવ અને પાણી અને ખોરાકની અછતની ફરિયાદ કરી હતી, જ્યારે પાલિકાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
મરાઠા સમુદાયને આરક્ષણ અપાવવા માટે જારાંગેના અનિશ્ચિત સમયના ઉપવાસ શનિવારે બીજા દિવસે પ્રવેશ્યા છે. તેઓ અન્ય પછાત વર્ગો (એબીસી) શ્રેણી હેઠળ મરાઠાઓ માટે ૧૦ ટકા અનામતની માંગ કરી રહ્યા છે.
શુક્રવાર સવારથી મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પ્રદર્શનકારીઓ, ખાસ કરીને ટ્રેન અને જાહેર પરિવહનના અન્ય માધ્યમો દ્વારા શહેરમાં પહોંચેલા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રાતભર પડેલા વરસાદને કારણે વિરોધપ્રદર્શન સ્થળ પર ખાડા પડી ગયા હતા, જેના કારણે આંદોલનકારીઓ છત્રપતિ શિવાજી મહારાજ ટમનસ (સીએસએમટી) ની બહાર જંકશન પર એકઠા થયા હતા, જેના કારણે ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો.
તેમાંના ઘણા લોકોએ ખોરાકની અછતની ફરિયાદ કરી છે, અને આરોપ લગાવ્યો છે કે સરકારે આસપાસની દુકાનો બંધ કરાવી દીધી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મેદાનમાં તેમની સલામતી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે.
વિરોધ સ્થળની નજીક આવેલા સીએસએમટીમાં અને તેની આસપાસ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ધામા નાખીને બેઠા છે. તેમાંથી ઘણા રસ્તાની બાજુમાં ખોરાક રાંધતા જોવા મળે છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ શનિવારે બપોરે દાવો કર્યો હતો કે તેણે આઝાદ મેદાનમાં માટીથી ભરેલા બે ટ્રક ઠાલવ્યા છે અને જરૃરી નાગરિક સુવિધાઓ પૂરી પાડી છે.
આંદોલનના સ્થળ પર ખાબોચિયા સાફ કરવામાં આવ્યા છે અને માર્ગને સમતળ કરવા એક્સેસ રૃટ પર બે ટ્રક લોડ રેતી ફેલાવવામાં આવી છે. સફાઈ કામદારો દ્વારા વિરોધ સ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે અને હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા માટે મેડિકલ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે. ચાર તબીબી ટીમો અને બે એમ્બ્યુલન્સ આ વિસ્તારમાં ૨૪/૭ કાર્યરત છે, તે જણાવ્યું હતું.
આઝાદ મેદાન વિસ્તારમાં પૂરતી લાઇટિંગ સુનિશ્ચિત કરવા માટે, મુંબઈ ફાયર બ્રિગેડની મદદથી ઉચ્ચ-તીવ્રતાવાળા ફ્લડલાઇટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, એમ પાલિકાએ જણાવ્યું હતું.
આંદોલનકારીઓેને પીવાનું પાણી પૂરું પાડવા માટે અગિયાર ટેન્કર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, એમ જણાવાયું છે, અને ઉમેર્યું હતું કે વધુ ટેન્કરની પણ વિનંતી કરવામાં આવી છે.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મેદાનની અંદર ૨૯ શૌચાલય મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી રોડ પર ૧૦-૧૦ બેઠકોવાળા ત્રણ મોબાઇલ શૌચાલય એકમો અને મેટ્રો સાઇટની નજીક ૧૨ પોર્ટેબલ શૌચાલય ઉપલબ્ધ છે. આઝાદ મેદાન અને તેની આસપાસના તમામ 'પે-એન્ડ-યુઝ' શૌચાલય મફત કરવામાં આવ્યા હતા, એમ તેમાં જણાવાયું છે.
શનિવારે સવારે મીડિયા બ્રીફિંગ દરમિયાન, જરાંગેએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીના પ્રભાવ હેઠળ, બીએમસી કમિશનર અને રાજ્ય નિયુક્ત પ્રશાસક ભૂષણ ગગરાણીએ વિરોધીઓ માટે ખોરાક અને પાણી બંધ કરી દીધા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કાર્પોરેશન (બીએમસી) પાસે એક વહીવટકર્તા છે, અને મુખ્યમંત્રીના પ્રભાવ હેઠળ, તેમણે વિરોધીઓ માટે ખોરાક અને પાણી બંધ કરી દીધા છે. અમે આ ભૂલીશું નહીં. તમે જાહેર શૌચાલય અને હોટલ બંધ કરી દીધી છે. ચાલો જોઈએ કે તમે કેટલા દિવસ ગરીબ મરાઠાઓને હેરાન કરો છો,એમ તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું કે વિરોધીઓ ગુસ્સે છે કારણ કે તેમને મૂળભૂત સુવિધાઓનો ઇનકાર કરવામાં આવ્યો છે.








