Mumbai

નેશનલ પાર્કમાં કબૂતરખાનાં સામે પણ વિરોધ ઃ આદિવાસીઓને આંદોલનની હાકલ

By GS TEAM
25 Sep 20252 mins read
નેશનલ પાર્કમાં કબૂતરખાનાં સામે પણ વિરોધ ઃ આદિવાસીઓને આંદોલનની હાકલ

શહેરીજનોને નુકસાન થાય તો શું આદિવાસીઓને ન થાય ? 

30 આદિવાસી પાડાના રહેવાસીઓને  આંદોલનમાં સામેલ થવા સમજાવવા મરાઠી એકીકરણ સમિતિએ ઝુંબેશ ચાલુ કરી 

મુંબઇ  -  કબૂતરની  વિષ્ટા અને પીછાંથી શ્વસનરોગના જોખમને લીધે બીએમસીએ દાદરનું કબૂતરખાનું બંધ કરાવ્યા પછી અન્ય કબૂતરખાના બંધ કરાવવાની હિલચાલ થઇ રહી છે ત્યારે ગયા અઠવાડિયે જ બોરીવલીના નેશનલ પાર્કમાં  ખુલ્લા મૂકાયેલા વિશાળ કબૂતરખાના સામે વિરોધ નોંધાવી મરાઠા એકીકરણ સમિતિએ નેશનલ પાર્કના આદિવાસી પાડાઓમાં વસતા આદિવાસીઓને વિરોધ માટે આગળ આવવાનું આહવાન કર્યું છે.

બોરીવલીના  સંજય ગાંધી નેશનલ પાર્કના ૩૦ આદિવાસી પાડામાં સેંકડો આદિવાસીઓ વસે છે. એટલે જ મહારાષ્ટ્ર એકીકરણ સમિતિએ શહેરમાં કબૂતરખાના બંધ કરી નેશનલ પાર્કમાં કબૂતરખાના  ઉભા કરવાના પગલાનો વિરોધ કરી સવાલ કર્યો છે કે નેશનલ પાર્કમાં શું આદિવાસીઓ નથી રહેતા ? શહેરના લોકોને કબૂતરથી ત્રાસ થતો હોય તો જંગલમાં વસતા આદિવાસીઓને તકલીફ ન થાય ?

નેશનલ પાર્કમાં કબૂતરખાનાની પરવાનગી કોણે આપી એવો સવાલ કરી મરાઠી એકીકરણ  મસિતિએ આ બાબતમાં તપાસ કરવાની સંજય ગાંધી નેશનલ પાર્કના સત્તાવાળાને કરી છે.

મહારાષ્ટ્રના પ્રધાન મંગલપ્રભાત લોઢાના હસ્તે ગયા અઠવાડિયે નેશનલ પાર્કમાં કબૂતરખાનાનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે અદાલતનું માન રાખીને કબૂતરખાનાનો પ્રશ્ન ઉકેલવા બીએમસીને અપીલ કરી હતી. આ સાથે જ બીકેસી, રેસકોર્સ, આરે કોલોની અને નેશનલ પાર્ક જેવી ખુલ્લી જગ્યામાં કબૂતરને ચણ નાખી શકાય એ માટે નિયંત્રિત અને સુરક્ષિત આહાર ક્ષેત્ર નિર્માણ કરવાનું પણ સૂચન કર્યું હતું ત્યાર બાદ  નેશનલ પાર્કમાં જૈન મંદિરની જગ્યામાં પહેલું કબૂતરખાનું ખુલ્લું મૂકાયું હતું. આમ મુંબઇમાં ૫૧ કબૂતરખાના છે એમાં એકનો ઉમેરો થતા સંખ્યા બાવન થઇ છે. એકીકરણ સમિતિએ કબૂતરખાનાના મામલે જનજાગૃતિ ઝુંબેશ શરૃ કરી છે.