Mumbai

રઝળતા શ્વાનના રક્ષણ માટે ગળામાં રક્ષા રિફ્લેકટર કોલર પહેરાવાયા

By GS TEAM
9 Aug 20251 min read
રઝળતા શ્વાનના રક્ષણ માટે ગળામાં રક્ષા રિફ્લેકટર કોલર પહેરાવાયા

રક્ષાબંધન નિમિત્તે  વાહનો સામે પ્રાણીના રક્ષણ માટે પહેલ

આ પટ્ટા રાત્રે વાહનોની લાઇટ પડતા  ચમકી ઉઠશે અને અકસ્માતથી બચાવશે

મુંબઇ  -  રાતને સમયે અંધારામાં વાહનોની અડફેટે આવી જીવ ગુમાવતા રઝળતા શ્વાનોની રક્ષા માટે રક્ષાબંધન નિમિત્તે તેમના ગળામાં રિફલેક્ટર કોલર (ચમકતા પટ્ટા) પહેરાવવામાં આવ્યા હતા. રાત્રે વાહનોની લાઇટ પડતા આ પટ્ટા ચમકી ઉઠે છે એટલે વાહન-ચાલક સાવધ થઇ જાય છે.

રક્ષાબંધન નિમિત્તે પહેરાવવામાં આળેલા આ કોલરને રક્ષા રિફલેકટર કોલર નામ આપવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ પ્રોટેકશન, અમ્મા કેર ફાઉન્ડેશન તથા પ્લાન્ટ એન્ડ એનિમલ વેલ્ફેર સોસાઇટી (પોઝ)ના ઉપક્રમે ભાંડૂપ અને મીરા-ભાયંદરના આ રક્ષા કોલર પહેરાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

પોઝ સંગઠનના સુનિષ સુબ્રહ્મણ્યમે જણાવ્યું હતું કે આજે ૫૦ શ્વાનના  ગળામાં રક્ષા રિફલેકટર કોલર પહેરાવવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ ચાલુ જ રાખવામાં આવશે અને શહેર અને ઉપનગરોમાં વધુને વધુ સંખ્યામાં શ્વાનોને આ કોલર પહેરાવવામાં આવશે. રખડતા કૂતરાને પણ સલામત રીતે જીવવાનો અધિકાર છે, એટલે જ રક્ષાબંધન નિમિત્તે આ શ્વાન-રક્ષા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.