કામરા સામે વિશેષાધિકાર ભંગનો રિપોર્ટ શિયાળુ સત્રના છેલ્લા દિવસે રજૂ કરાશે

વિશેષાધિકાર સમિતિને વધુ મુદ્દતની માંગનો સ્વીકાર
શિંદે માટે પેરોડી ગીત બનાવવા બદલ કામરા સામે તથા તેને સમર્તન માટે સુષ્મા અંધારે સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી
મુંબઇ - કોમેડિયન કુણાલ કામરા પરનો રિપોર્ટ રજૂ કરવા વિશેષાધિકાર સમિતિને મહારાષ્ટ્ર વિધાન પરિષદે વધુ સમય આપ્યો છે. વિધાનસભાના આગામી સત્રના છેલ્લા દિવસે કુનાલ કામરા અને શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સુષ્મા અંધારે અંગેનો રિપોર્ટ રજૂ કરવા અંગેનો ઠરાવ મંજૂર કરાયો હતો.
વિધાનસભાના બજેટસત્ર દરમિયાન ભાજપના એમએલસી પ્રવીણ દરેકરે કામરા સામે વિશેષાધિકાર ભંગની નોટિસનો ઠરાવ રજૂ કર્યો હતો. કામરાએ એક પેરોડી ગીતમાં શિવસેનાના વડા એકનાથ શિંદે અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી તેવું નોટિસમાં કહેવામાં આવ્યું હતું. શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સુષ્મા અંધારેએ કામરાને સમર્થન આપ્યું હતું તેનાથી વિધાનસભાની અવમાનના થયાનું નોટિસમાં જણાવાયું હતું.
વિધાનપરિષદના અધ્યક્ષ રામ શિંદેએ વિશેષાધિકાર ભંગની નોટિસ જૂન મહિનામાં કમિટીને મોકલી હતી. કામરા અને અંધારાને શો-કોઝ નોટિસ મોકલવામાં આવી હતી. પણ અધૂરા એડ્રેસના કારણે તેમને નોટિસ મળી ન હતી.
મુંબઇના ખાર વિસ્તારની એક કોમેડી ક્લબમાં કામરા શિંદેનો ઉલ્લેખ ગદ્દાર તરીકે કર્યો હતો. એક ફિલ્મના ગીત 'ભોલી સી સૂરત, આંખો મેં મસ્તી, દૂર ખડી શર્માએ....' ગીતના શબ્દો બદલીને શિંદેનું અપમાન કર્યું હતું શિંદેએ ૨૦૨૨માં શિવસેના પક્ષનું વિભાજન કર્યું હતું તે અંગેનો ઉલ્લેખ કામરાએ પોતાના પેરોડી સોન્ગમાં કર્યો હતો. તે પછી શિવસેનાના સભ્યોનું એક ટોળુ હોટેલમાં ઘૂસી ગયું હતું અને કોમેડીશોનું જ્યાં રેકોર્ડિંગ થયું હતું તે રૃમમાં તોડફોડ કરી હતી.
તે પછી કામરાએ માફી માંગવાનો ઇન્કાર કર્યો હતો અને ક્લબને કરાયેલા નુકસાનની ટીકા કરી હતી. શિંદે સામે કથિત અપમાનજનક શબ્દો બોલવા બદલ શિવસેનાના એક વિધાનસભ્ય મૂરજી પટેલે ખાર પોલીસમાં ફરિયાદ કરી હતી અને ખાર પોલીસે કેસ નોંધ્યો હતો. મુંબઇની પોલીસ ધરપકડ કરી લેશે તેવી રજૂઆત કામરાએ મદ્રાસ હાઇકોર્ટમાં કરી હતી અને હાઇકોર્ટે વચગાળાના જામીન ૧૭મી એપ્રિલ સુધી લંબાવી આપ્યા હતા. મુંબઇ પોલીસે કામરાને બે વાર સમન્સ મોકલ્યા હતા પણ કામરા પોલીસ સમક્ષ હાર થયો ન હતો.









