ખેડૂતોને ઈરાન યુદ્ધનો વધુ એક ફટકો
હિંગોલી,યવતમાલ, વાશીમના હળદર બેલ્ટમાં અસરઃ ક્વિન્ટલનો દર ૧૬૫૦૦થી ઘટીને ૧૩૦૦૦ થયો
મુંબઈ - અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધની સૌથી માઠી અસર મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં હળદરના નિકાસ વ્યાપાર પર પડી છે. હળદરની નિકાસ સાવ ઠપ થઈ જવાને કારણે સ્થાનિક બજારમાં ભાવ ગગડવા માંડયા છે. અગાઉ ક્વિન્ટલનો ભાવ ૧૬૫૦૦ રૃપિયા હતો એ અત્યારે ઘટીને ૧૩ હજાર રૃપિયા થઈ ગયો છે.
શિવસેનાના વિધાન પરિષદના સભ્ય હેમંત પાટીલે જણાવ્યું હતું કે મરાઠવાડામાં પુષ્કળ પ્રમાણમાં હળદર ઉગાડવામાં આવે છે. આ હળદરની અખાતના દેશોમાં અને આફ્રિકામાં નિકાસ થાય છે. પરંતુ અત્યારે નિકાસ ખોરવાતા વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
હળદર એ રોકડિયો પાક છે. હિંગોલી જિલ્લામાં બે લાખ હેક્ટરમાં હળદરનું વાવેતર કરવામાં આવે છે. આમાં પણ વસમત વરાઈટીની હળદરને તો જીઆઇ (જ્યોગ્રાફિકલ આઇડેન્ટીટી)નું ટેગ મળ્યું છે.
મરાઠવાડામાં ઉગતી હળદરને પ્રોસેસિંગ કરવામાં આવ્યા પછી તામિલનાડુ અને કેરળના બંદરેથી પરદેશ મોકલવામાં આવે છે.
બાળાસાહેબ ઠાકરે ટર્મરિક રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરના વડા પાટીલે જણાવ્યું હતું કે હિંગોલી, યવતમાળ, વાશીમ વિસ્તાર ટર્મરિક બેલ્ટ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં દર વર્ષે ૨૫ લાખ ટન હળદરનું ઉત્પાદન થાય છે. હિંગોલીમાં બે લાખ હેક્ટરમાં હળદર ઉગાડવામાં આવે છે.
હિંગોલીમાં એક વેપારીએ જણાવ્યું હતું કે હળદરની નિકાસ બંધ થવાને પગલે લોકલ માર્કેટમાં ભાવ ગગડવા માંડયા છે.
દરમિયાન કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય તરફથી પ્રાપ્ત કરવામા ંઆવેલા આંકડા મુજબ ભારતે ૨૦૨૪-૨૫ દરમિયાન ૩૪૧.૫૪ મિલિયન અમેરિકન ડોલરની કિંમતની હળદરની નિકાસ કરી હતી. આમાં એકલા મરાઠવાડામાંથી ૧૫૫.૩૫ મિલિયન ડોલરની હળદર નિકાસ કરવામાં આવી હતી. આ હળદરની બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમિરાત, અમેરિકા, મોરક્કો અને મલેશિયામાં નિકાસ કરવામાં આવી હતી.


