યુદ્ધની સ્થિતિને કારણે નિકાસ પર અસર
રોજની ૩૦ હજારને બદલે હવે ૪૦ હજાર પેટી આવવા માંડી
મુંબઇ- નવપી મુંબઇની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી)ની ફળ બજારમાં કોકણની આફૂસ કેરીની આવક વધવા માંડતા ભાવ ઘટવા માંડયા છે.
ફ્રુટ માર્કેટમાં ગયાં અઠવાડિયે ૩૦થી ૩૫ હજાર આફુસની પેટી આવી હતી, જ્યારે આ સપ્તાહે ૪૦ હજારથી વધુ પેટીની આવક થઇ છે. એક પેટીમાં લગભગ ૩૬થી ૪૫ કેરી હોય છે. ગયા અઠવાડિયે એક પેટીની કિંમત ૨૦૦૦થી ૨૨૦૦ રૃપિયા હતી તે આ અઠવાડિયે ઘટીને ૧૫૦૦થી ૧૮૦૦ રૃપિયા થઇ ગઇ છે.
માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ આફુસની આવકમાં ભલે વધારો થયો છે પણ ગયા વર્ષની સરખામણીએ આવક ઓછી છે. ગયા વર્ષે એપ્રિલમાં દરરોજ ૬૦થી ૬૫ હજાર પેટી આવતી હતી, જ્યારે આ વર્ષે રોજ ૪૦ હજાર પેટી આવે છે. મે મહિનાની શરૃઆત થાય ત્યાં સુધીમાં માર્કેટમાં રોજ ૮૦ હજાર આફુસની પેટીઓ આવતી થઇ જાય એવી શક્યતા છે. દર વર્ષે મે મહિનામાં રોજ એક લાખ પેટીની આવક થાય છે.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આફુસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો થયો છે. આનું મુખ્ય કારણ એ છે કે આ વખતે કોકણમાં આફુસ (અલ્ફાન્ઝો) કેરીનું ઉત્પાદન ઓછું થયું છે. આને કારણે ભાવ વધ્યા છે. કેરીના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે. એટલે કિંમત વધ્યા છતાં ખેડૂતોને ખાસ ફાયદો નથી થયો.
દરમિયાન કોકણની શ્રેષ્ઠ આફૂસ કેરીની અખાતના દેશો અને અમેરિકા સહિતના દેશોમાં ધીરે ધીરે નિકાસ શરૃ થઇ ગઇ છે. જો કે એરફ્રેર વધી ગયું હોવાથી નિકાસમાં ઘટાડો થયો છે. બીજું અમેરિકા- ઇરાન વચ્ચે યુધ્ધની સ્થિતિને કારણે પણ નિકાસને ફટકો પડયો છે.


