આંખમાં પાણી લાવે તેવી કાંદા ઉત્પાદકોની કથની
પૈઠણના ખેડૂતે આખી સીઝનની કાળી મજૂરી પછી
કિલો દીઠ મળેલા નફાનો એક રુપિયો તથા એક કાંદો મુખ્યપ્રધાનને મોકલ્યાં
મુંબઈ - કાંદા ઉત્પાદક ખેડૂતો
કાંદાનો ભાવ મળતો ન હોવાથી નિરાશ થઈ ગયા છે. કૃષિ ઉત્પન્ન બજારોમાં ક્યાંક કિલોના
૫૦ પૈસા તો ક્યાંક દોઢ રૃપિયાનો ભાવ મળે છે. જ્યારે આજ કાંદા મુંબઈ કે પુણે જેવા
શહેરોમાં ૨૦થી ૨૫ રૃપિયે કિલો વેંચાય છે.
કાંદા ઉગાડતા ખેડૂતોની કેવી દયનીય
દશા છે તેનો ખ્યાલ પૈઠણના એક ખેડૂતની સ્થિતિ પરથી આવે છે. પ્રકાશ ગલધર નામના ખેડૂત
૧,૨૬૨ કિલો કાંદા વેચવા માટે એ.પી.એમ.સી.માં ગયા હતા. આખી સીઝન કાળી મજૂરી
કરી કાંદા ઉગાડયા પછી બજાર સુધી પહોંચાડવાની હમાલી, તોલમાપ
અને ટ્રાન્સપોર્ટના ખર્ચની ગણતરી કરતા તેને પ્રતિકિલોએ એક રૃપિયાનો નફો થયો હતો.
પૈઠણના આ ખેડૂતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક કાંદો અને નફાનો
એક રૃપિયો મોકલ્યો હતો.
નાસિક જિલ્લાની સટાણા કૃષિ ઉત્પન્ન બજારમાં જીતેન્દ્ર સાળુંખેને કાંદાનો
કિલો દિઠ ૫૦ પૈસા ભાવ મળ્યો હતો. આથી વિરોધ કરતા વેપારીએ તેને દોઢ રૃયિાનો ભાવ
આપ્યો હતો. સોલાપુરના અંકુશ ગુંજાલ નામના ખેડૂતે ૭૩ ગુણી કાંદા વેંચ્યા તેના ફક્ત
૪૦૦ રૃપિયા હાથમાં આવ્યા હતાં.
અત્યારે કાંદાની આવક વધી છે તેના પ્રમાણમાં માલનો ઉપાડ નથી થતો. અનેક
ઠેકાણે કમોસમી વરસાદને લીધે કાંદાના પાકને નુકસા થયું છે.
આ પહેલાં ઈરાન- ઈઝરાયલ- અમેરિકાની લડાઈને લીધે કાંદાની નિકાસને જબરજસ્ત
ફટકો પડયો હતો. આ બધા કારણોને લીધે કાંદાના ભાવ સાવ ગગડયા હતા. આગામી આઠ- દસ
દિવસમાં નિકાસની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા માર્કેટના સૂત્રોએ દર્શાવી છે.
નિકાસ પૂર્વવત થયા પછી કાંદાના ભાવ વધવાની આશા રાખીને ખેડૂતો બેઠા છે.


