કુંભમેળા નિમિત્તે 5658 કરોડના ખર્ચે વિકાસકાર્યો
સાધુસંતો, યાત્રાળુઓ માટે ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓઃ ભીડ અને ટ્રાફિકના નિયમન માટે બહારથી પોલીસોની ટુકડી આવશે
મુંબઈ - નાસિકમાં આગામી સિંહસ્થ કુંભમેળા માટે પાલિકા પ્રશાસન અને રાજ્ય સરકાર તરફથી તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. કુંભમેળામાં સાધુ-સંતો અને ભક્તોની ઉમટનારી પ્રચંડ ભીડને ધ્યાનમાં લઈને ગોદાવરી નદીના કાંઠે ચાર નવા ઘાટ બાંધવામાં આવશે.
સિંહસ્થ કુંભમેળા ઓથોરિટીએ ગોદાવરી તટ પરહ લક્ષ્મીનારાયણ મંદિર, નદિની એસટીપી, નવશ્યા ગણપતિ અને સોમેશ્વર મંદિર ખાતે ચાર નવા ઘાટ બાંધવાની મંજૂરી આપી છે.
સિંહસ્થ કુંભમેળા માટે નાસિક જિલ્લામાં ૫,૬૫૮ કરોડના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે આને લીધે જિલ્લાના વિકાસને વેગ મળશે એટલું જ નહીં નાસિક શહેરમાં સુશોભીકરણ થશે. વાહન-વ્યવહારની સમસ્યા ઊકેલાશે અને સ્થાનિક લોકોને રોજગર પણ મળી રહેશે. આ સાથે જ તીર્થનગરીમાં આવતા યાત્રાળુઓ અને પર્યટકો માટેની સુવિધા પણ વધારવામાં આવશે.
નાસિકમાં પરિક્રમા માર્ગ તૈયાર કરવા માટે ભૂસંપાદન કરવામાં આવશે. બહારથી આવનારા પોલીસો, રેલવે એસટી કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ સિંહસ્થ કુંભમેળા પ્રાધીકરણ (ઓથોરિટી)ના કામકાજ માટે જિલ્લા પરિષદની જૂની ઈમારત ભાડેથી લેવામાં આવશે અને ટ્રાફિકના નિયમન માટે પોલીસને મદદરૃપ થાય એ માટે ટ્રાફિક વોર્ડનો નિયુક્તિ કરવામાં આવશે.


