ચેમ્બુરમાં 10થીથી 30મી સુધી વસતી ગણતરીની પ્રાથમિક કસોટી

દેશમાં ૨૦૨૭ની જનગણનાની પૂર્વ તૈયારી
મહારાષ્ટ્રમાં ચેમ્બુર ઉપરાંત જળગાંવના ચોપડા અને કોલ્હાપુરના ગગનબાવડાઓમાં પણ વસતી ગણતરીનું પ્રિ રન યોજાશે
મુંબઇ - દેશમાં ૨૦૨૭ની જનગણનાની તૈયારી શરૃ થઇ ગઇ છે. મુંબઇ મહાનગર પાલિકાએ જાહેર કર્યું છે કે ૧૦મીથી ૩૦મી નવેમ્બર દરમ્યાન એમ-વેસ્ટ વોર્ડ (ચેમ્બુર)માં વસતી ગણતરી માટેની પ્રાથમિક કસોટી કરવામાં આવશે.
દેશભરમાં વસતી ગણતરી પ્રક્રિયાને વધુ અસરકારક અને અચૂક બનાવવા માટે પ્રાથમિક કસોટી (પ્રિલિમરીટેસ્ટ) પાર પાડવામાં આવશે.
ભારતમાં છેલ્લે ૨૦૧૧માં વસતી ગણતરી થઇ હતી. પ્રાથમિક કસોટી હેઠળ ઘરોની નોંધણી અને ગૃહનિર્માણ સંકુલની નોંધણી કરવામાં આવશે. રહેવાસીઓને સ્વયં-નોંધણી (સેલફ-એન્યુમરેશન)ની સુવિધા પણ આપવામાં આવશે. આ સુવિધા અંતર્ગત લોકો પોતાની માહિતી ઓનલાઇન નોંધાવી શકશે. સેલ્ફ-એન્યુમરેશન સુવિધા પહેલીથી સાતમી નવેમ્બર સુધી આપવામાં આવશે.
૧૦મીથી ૩૦મી નવેમ્બર દરમ્યાન દરેક ઘરે ફરીને વિગતોની નોંધ કરનારા કર્મચારીઓને સહયોગ આપવાની સત્તાવાળા તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
જનગણનાની પૂર્વ તૈયારી માટે પસંદ કરવામાં આવેલા રાજ્યોમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ત્રણ ક્ષેત્રમાં પ્રાથમિક કસોટી થશે. જેમાં મુંબઇ એમ-વેસ્ટ વોર્ડ (ચેમ્બુર), ચોપડા તાલુકા (જિલ્લો જળગાંવ) અને ગગનબાવડા તાલુકા (જિલ્લો કોલ્હાપુર)નો સમાવેશ થાય છે.
મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં આ ઉપક્રમ માટે ૧૩૫ ઘર-નોંધણી બ્લોક્સ નિશ્ચિત કરવામાં આવ્યાં છે. રાજ્યભરમાં આ કસોટી-સર્વેક્ષણની કામગીરી માટે ૪૦૨ કર્મચારીઓની ટીમ કાર્યરત રહેશે.
મુંબઇ મહાપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ મંગળવારે જનગણના સંચાલનાલય (સેન્સસ ડિરેકટોરેટ)ના ડિરેકટર નિરૃપમા ડાંગેની મુલાકાત લીધી હતી અને વસતી ગણતરીને લગતી કામગીરીનો તાગ મેળવ્યો હતો.
ભારતમાં ૨૦૨૭ની વસતી ગણતરી બે તબક્કામાં પાર પાડવામાં આવશે. પહેલા તબક્કામાં (એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬) ઘરોની નોંધણી અને ગૃહનિર્માણને લગતી માહિતી એકઠી કરવામાં આવશે. બીજા તબક્કામાં (ફેબુ્રઆરી ૨૦૨૭) વસતી ગણતરી કરવામાં આવશે.









