ગઢચિરોળીમાં રસ્તાના અભાવે સગર્ભાનો ભોગ
વેણ ઉપડયાં બાદ હૉસ્પિટલે પહોંચવા એમ્બ્યુલન્સ નહીં, પગપાળા પાંચ કલાક ચાલતાં અવળી અસર થઈ
મુંબઈ - પ્રસૂતિ માટે હૉસ્પિટલમાં જવા માટે છ કિલોમીટર પગપાળા પ્રવાસ કરનારી ગર્ભવતીના પેટમાં જ બાળકનું અવસાન થયું. થોડા સમયમાં ગર્ભવતી મહિલા પણ સારવાર દરમ્યાનમાં મૃત્યુ પામ્યાંની ઘટના શુક્રવારે ગઢચિરોલીના એટાપલ્લી તાલુકામાં બની હતી.
૨૪ વર્ષીય આશા કિરંગા જે એટાપલ્લી તાલુકાના આલદંડી ટોલામાં રહેતી હતી.જેને ગુરુવારે વેણ ઉપડયું હતું. ગામમાં પાકો રસ્તો ન હોવાથી તે પતિ સાથે જંગલમાંથી પગપાળા પોતાની બહેનને ઘેર પેટા પહોંચી હતી. પગપાળા પ્રવાસ કરતાં શુક્રવારની સવારે તેની મુશ્કેલી વધી હતી. પેઠાની આશાસેવિકાએ એમ્બ્યુલન્સ બોલાવી તેને હેડરીની હૉસ્પિટલમાં દાખલ કરી હતી. ડૉક્ટરોએ ઓપરેશન કરી પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો. પરંતુ તે પહેલાં જ બાળક પેટમાં જ મૃત્યુ પામ્યું હતું. બ્લડપ્રેશન વધી જતાં થોડી જ વારમાં આશાનું પણ મૃત્યુ થયું. આ પહેલાં પણ ગઢચિરોલી જિલ્લામાં રસ્તાના અભાવે ઝોળી કે કાવડમાં દર્દીઓને હૉસ્પિટલ લઈ જવાયાના અનેક કિસ્સા સામે આવ્યા છે.
વ્યથા એટલેથી જ અટકી નહોતી તો મૃત્યુ બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પહેલાં એટાપલ્લી હૉસ્પિટલમાં મોકલાયો. ત્યાં સ્ત્રીરોગતજ્જ્ઞા ન હોવાથી ૪૦ કિમી દૂર આવેલી અહેરીની ઉપજિલ્લા હૉસ્પિટલમાં તેની બોડી મોકલવામાં આવી. આમ મૃત્યુ બાદ પણ તેના મૃતદેહને અહીંથી તહીં ફેરવવામાં આવી રહ્યો હતો.


