પત્રાચાલ કૌભાંડમાં પ્રવિણ રાઉત , જિતેન્દ્ર મહેતાના નામે પ્રથમેશ ડેવલપર્સને સમન્સ

સંજય રાઉતને સંડોવતા કેસમાં અદાલતની કાર્યવાહી
ગુનાઇત રકમ અર્જિત કરવામાં સામેલ હોવાનો આરોપ ઃ પ્રથમ દ્રષ્ટિએ મની લોન્ડરિંગનો કેસ બને છેઃ કોર્ટ
મુંબઈ - મુંબઈની એક ખાસ કોર્ટે પ્રથમેશ ડેવલપર્સને તેના ભાગીદાર ઉદ્યોગપતિ પ્રવિણ રાઉત અને અન્ય એક આરોપી મારફત પત્રા ચાલ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ જારી કર્યા છે અને નોંધ્યું છે કે તેઓ ગુનામાંથી મળેલી રકમને ઉચાપત કરવામાં સામેલ હતા.
શિવસેના (યુબીટી)ના રાજ્યસભાના સાંસદ સંજય રાઉત પણ આ કેસમાં આરોપી છે અને તેથી ધારાસભ્યો માટેની ખાસ કોર્ટ આ મામલાની સુનાવણી કરી રહી છે.
સાંસદો/ધારાસભ્યોને સંડોવતા ફોજદારી કેસોના વિશેષ ન્યાયાધીશ સત્યનારાયણ નાવંદરે ૨૦ સપ્ટેમ્બરના આદેશમાં ચુકાદો આપ્યો હતો કે પ્રથમ દ્રષ્ટિએ મની લોન્ડરિંગનો ગુનો સ્પષ્ટપણે સાબિત થયો છે.
આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેમની સામે દાખલ કરાયેલ પૂરક ચાર્જશીટની નોંધ લીધા પછી કોર્ટે પ્રથમેશ ડેવલપર્સને તેના ભાગીદાર, સંજય રાઉતના નજીકના સાથી પ્રવિણ રાઉત અને મહેતા ડેવલપર્સના અન્ય એક આરોપી જિતેન્દ્ર મહેતા દ્વારા સમન્સ જારી કર્યા હતા.કંપની અને મહેતા ગુનામાંથી મળેલી રકમ ઉત્પન્ન કરવાની અને તેને ઉપાડવાની પ્રક્રિયામાં સામેલ હતા,એમ કોર્ટે કહ્યું.
ઈડીનો આ કેસ ગોરેગાંવ ઉપનગરીય વિસ્તારમાં આવેલા પાત્રા ચાલના પુનવકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ અને સંબંધિત નાણાકીય વ્યવહારો સાથે સંબંધિત છે.
ગોરેગાંવમાં આવેલ સિદ્ધાર્થ નગર પાત્રા ચાલ તરીકે જાણીતું છે, ૪૭ એકરમાં ફેલાયેલું છે અને તેમાં ૬૭૨ ભાડૂઆત પરિવારો રહે છે.
૨૦૦૮ માં, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) એ વિશાળ ચાલ માટે પુનઃવિકાસનો કોન્ટ્રાક્ટ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (જીએસીપીએલ) ને સોંપ્યો હતો, જે હાલ બંધ થયેલી એચડીઆઈએલ(હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) ની સિસ્ટર કંપની છે.
જીએસીપીએલએ ભાડૂઆતો માટે ૬૭૨ ફ્લેટ બનાવવાના હતા અને કેટલાક ફ્લેટ મ્હાડાને પણ આપવાના હતા. બાકીની જમીન ખાનગી વિકાસકર્તાઓને વેચવાની તેમને સ્વતંત્રતા હતી.
પરંતુ ભાડૂઆતોને એક પણ ફ્લેટ મળ્યો નહીં કારણ કે કંપની પત્રા ચાલનો પુનઃવિકાસ કરવામાં નિષ્ફળ ગઈ અને તેના બદલે જમીનના પાર્સલ અને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ ) અન્ય બિલ્ડરોને રૃ. ૧,૦૩૪ કરોડમાં વેચી દીધી, હોવાનું ઈડીએ જણાવ્યું હતું.
ઈડીએ આરોપ લગાવ્યો છે કે મોટાભાગના ભંડોળ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ઈડીના જણાવ્યા અનુસાર, ભાડૂઆતો માટે ફ્લેટના બાંધકામ અને મ્હાડાના ભાગ માટે આ વેચાણની રકમનો ઉપયોગ કરવાને બદલે, તેમણે એચડીઆઈએલ અને તેની ગુ્રપ કંપનીઓના વિવિધ ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.
વધુમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રવીણ રાઉતે કંપનીના નામે સ્થાવર મિલકતો હસ્તગત કરવા માટે ગુનામાંથી ડાયવર્ટ કરેલી રકમના એકીકરણ માટે પ્રથમેશ ડેવલપર્સનો ઉપયોગ કર્યો હતો.
કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રથમેશ ડેવલપર્સ અને મહેતા ગુનામાંથી મળેલી રકમ ઉત્પન્ન કરવામાં અને તેને ઉચાપત કરવામાં સંડોવાયેલા હતા અને તેથી, તેમની સામે સમન્સ જારી કરવા જરૃરી છે.









