૩૧ માર્ચે નિવૃત્ત થનારા પ્રસાદ શ્રીકાન્ત પુરોહિતની નિવૃત્તિ અટકાવી બઢતી અપાઇ
પ્રસાદ શ્રીકાન્ત પુરોહિતે તેમની બઢતી અને નોકરી સાથે સંલગ્ન લાભો મેળવવા માટે એએફટીમાં અરજી કરી હતી
૨૦૦૮માં મહારાષ્ટ્રના માલેગાવમાં થયેલાં બોમ્બવિસ્ફોટ કેસમાં નિર્દોષ છુટેલાં આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાન્ત પુરોહિતને બ્રિગેડિયર તરીકે બઢતી આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યુનલ-એએફટી-દ્વારા પુરોહિતની નિવૃત્તિ અટકાવવાના નિર્ણય આવ્યા બાદ તેમને બઢતી આપવામાં આવી છે. પુરોહિત ૩૧ માર્ચ ૨૦૨૬ના નિવૃત્ત થવાના હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર પુરોહિતે તેમની બઢતી અને નોકરી સાથે સંલગ્ન લાભો મેળવવા માટે એએફટીમાં અરજી કરી હતી. ટ્રિબ્યુનલે સંરક્ષણ ખાતાને નોટીસ જારી કરી જણાવ્યું હતું કે જ્યાં સુધી પુરોહિતની ફરિયાદ બાબતે અંતિમ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી તેમની નિવૃત્તિ ને અટકાવી રાખવામાં આવે.
એએફટી સમક્ષ પુરોહિતે દાવો કર્યો હતો કે ૨૦૦૮માં માલેગાંવ બોમ્બવિસ્ફોટ કેસમાં લાંબી ચાલેલી અદાલતી કાર્યવાહીને કારણે તેમની સૈનિક કારકિર્દીની પ્રગતિ પર બહું ખરાબ અસર પડી છે. લાંબી કાનુની પ્રક્રિયાને કારણે તેમને સેનામાં તેમના પ્રમોશનના હકથી વંચિત રહેવું પડયું છે.
આ કેસમાં શરૃઆતમાં અગિયાર જણાંને આરોપી બનાવવામાં આવ્યા હતા. પણ બાદમાં અદાલતે માત્ર સાત જણાં સામે જ આરોપો ઘડયા હતા. ૩૧ જુલાઇએ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી-એનઆઇએ કોર્ટે લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત અને અન્ય છ જણાંને માલેગાંવ બોમ્બવિસ્ફોટ કેસમાં નિર્દોષ ઠરાવ્યા હતા. વર્ષો સુધી ચાલેલી અદાલતી કાર્યવાહી બાદ આ ફેસલો કરવામાં આવ્યો હતો. પુરોહિતની સાથે અન્ય છ જણાંને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાા, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે.
૨૦૦૮માં માલેગાંવમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલમાં વિસ્ફોટકો ગોઠવી બોમ્બધડાકો કરવામાં આવ્યો હતો. આ ધડાકામાં છ જણાંના મોત થયા હતા અને ૯૫ જણાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. શરૃઆતમાં આ કેસની તપાસ મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા કરાઇ હતી. ૨૦૧૧માં આ કેસ એનઆઇએને સોંપી દેવામાં આવ્યો હતો. એ પછી સત્તર વર્ષ તપાસ ચાલી જેના અંતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.


