Get The App

રિપેરિંગના નામે મહિનાઓ સુધી બંધ રહેલા રસ્તાઓ પર પણ ખાડા કેમ - પૂજા ભટ્ટ

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
રિપેરિંગના નામે મહિનાઓ સુધી બંધ રહેલા રસ્તાઓ પર પણ ખાડા કેમ - પૂજા ભટ્ટ 1 - image


રસ્તાઓની  બિસ્માર હાલત બાબતે અભિનેત્રીનો આક્રોશ

તંત્રની બેપરવા નીતિનો અંત ક્યારે આવશેઃ પૂજાભટ્ટે ઉઠાવેલા મુદ્દાઓને નેટ યૂઝર્સ દ્વારા સમર્થન

મુંબઇ -  મુંબઇમાં રસ્તાઓની હાલત કથળી રહી છે તે અંગે એક્ટર અને નિર્માતા પૂજા ભટ્ટે આક્રોશ વ્યક્ત કર્યો છે. રિપેરિંગના નામમાં મહિનાઓ સુધી રસ્તાઓ બંધ કરાય છે અને તે પછી ખાડાઓ પડી જાય છે તેની પાછળનો તર્ક શું છે તેવો સવાલ પૂજા ભટ્ટે પૂછયો છે. પૂજા ભટ્ટે મંગળવારે એક્સ પર લખેલી એક પોસ્ટમાં કહ્યું હતું કે મુંબઇ શહેર અને ખાસ કરીને બાંદ્રામાં રસ્તાઓની હાલત ખરાબ છે.

દરેક  સ્થળે ખાડાઓ છે. શું આને માટે મોટા ભાગના રસ્તાઓ રિપેરિંગના નામમાં બંધ કરાયા હતા? આવી ઉદાસીનતાનો અંત ક્યારે આવશે? સોશિયલ મીડિયા પર મુંબઇગરાઓએ પૂજા ભટ્ટની પોસ્ટ સાથે સંમતિ દર્શાવી હતી. વહીવટી તંત્રની પ્રાથમિક્તાઓ ખોટી છે તેવું સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું હતું.

શહેરની શોભા વધારવાના પ્રોજેક્ટસમાં વધુ રોકાણ થતા હોય છે અને રોડ, ડ્રેઇનેજ જેવી પાયાની સુવિધાઓની અવગણના કરવામાં આવે છે. એક યુઝરે આક્ષેપ કર્યો હતો કે જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટસ જાણીબુઝીને હલકી ગુણવત્તાના બનાવવામાં આવે છે અને પાછુ બનાવવામાં કોન્ટ્રેક્ટરો અને રાજ્કારણીઓ કમાણી કરે છે. સામાન્ય માનવી ટેક્સ ભરે ચે પણ તેને ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળતું નથી.

એક અન્ય યુઝરે કહ્યું કે દેશની આર્થિક રાજધાનીની આવી હાલત છે. અન્ય શહેરોની કેવી પરિસ્થિતિ હશે, તેની  કલ્પના જ કરવી રહી. લાંબુ ટકે તેવા રસ્તાઓ બનાવવાનું વિદેશમાંથી વહીવટીતંત્રે શીખવું જોઇએ.

સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠે તે પછી સત્તાધીશો સક્રિય થતા હોય છે. તાજેતરમાં સાયન- પનવેલ રોડ પરના ખાડાઓવાળા રસ્તાનો વીડિયો વાયરલ થયો હતો. તે પછી પીડબલ્યુડીએ વાશી સર્વિસ રોડ પરના ખાડાઓ પૂરવાનું શરૃ કર્યું હતું.


Tags :