ઠંડી હવાની ઉપર ગરમ હવાનું ઢાંકણ બની જતાં પ્રદૂષકો વિખેરાતાં નથી
મેટ્રો , રોડ કોંક્રિટાઈઝેશન તથા મોટાપાય રિડેવલપમેન્ટનાં કામોએ સ્થિતિ વકરાવીઃ બહુમાળી ઈમારતો હવાને ઉંચે ચડવા દેતી ન હોવાથી પ્રદૂષકો વિખેરાતાં નથી
રવિવારે મુંબઈમાં સરેરાશ એક્યુઆઈ ૧૦૪ રહ્યો હતો. જે મોડરેટની સ્થિતિમાં આવે છે. જોકે, બીકેસી સહિતનાં કેટલાંક પરાંમાં એક્યુઆઈ ૨૦૦થી વધુની આરોગ્ય માટે ખુબજ જોખમી 'પુઅર' કેટેગરીમાં પહોંચી ગયો હતો.
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ અંગ્શુમન મોડકના જણાવ્યા અનુસાર મુંબઈમાં વધેલી બાંધકામ પ્રવૃત્તિ તથા સાથે સાથે વાહનોનાં પ્રદૂષણના કારણે એક્યુઆઈમાં ઉછાળો જોવા મળ્યો છે.
મુંબઈ તથા આસપાસના નવી મુંબઈ, વસઈ વિરાર, થાણેમાં પણ હાલ મોટાપાયે અર્બન ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. નવી મેટ્રો લાઈનો નખાઈ રહી છે. રોડ કોંક્રિટાઈઝેશનનાં કામકો ચાલુ થયાં છે. કેટલાંય સ્થળે ફલાયઓવર બની રહયા છે. આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ શરુ થયું છે. જૂની ચાલીઓ અને ફેક્ટરીઓ તૂટીને તેની જગ્યાએ બહુમાળી ઈમારતો બની રહી છે. આ બધા જ પ્રોજેક્ટસની કન્સ્ટ્રક્શન ડસ્ટ પ્રદૂષણમાં ઉમેરો કરી રહી છે. જોકે, તેની સાથે સાથે પર્યાવરણીય સ્થિતિ પણ જવાબદાર છે. દિવસ દરમિયાન ધરતી ગરમ બને છે અને સમુદ્ર પરથી આવતી સ્વચ્છ હવા તેમાં ભળે છે. જોકે, શિયાળામાં આ હવા બહુ મંદ હોય છે. આથી, સ્વચ્છ હવા ભળીને ઊંચે ચડે તેવું યોગ્ય પ્રમાણમાં બનતું નથી.આથી, પ્રદૂષકો ઊંચે જઈને વિખેરાતાં નથી. ચોમાસામાં નૈઋત્યના પવનો વહેતા હોય છે. જ્યારે શિયાળામાં પવન ઈશાની દિશાના બને છે. ઉત્તર તરફથી દક્ષિણ તરફ વહેતા પવનો પ્રદૂષકોને સમુદ્ર ભણી ધક્કો મારી શકે છે પરંતુ આ વખતે આ હવા મંદ હોવાથી તેવી સ્થિતિ સર્જાતી નથી એમ તેમણે જણાવ્યું હતું.
ભારતીય હવામાન વિભાગનાં વિજ્ઞાાની સુષ્મા નાયરે પણ એ વાતને અનુમોદન આપ્યું હતું કે મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને લગતાં કામોને કારણે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી વધી જતાં તેની સીધી અસર પર્યાવરણ પર પડી છે.
સુષ્મા નાયરે જણાવ્યું હતું કે ટેમ્પરેચર ઈન્વર્ઝન નામની ટેકનિકલ સ્થિતિ તથા ઉત્તર પશ્ચિમના પવનોને કારણે પ્રદૂષણની સ્થિતિ વકરી છે. રાતે સામાન્ય રીતે પવનની ગતિ સામાન્ય હોય અને આકાશ સ્વચ્છ હોય તો સપાટી પરનું તાપમાન ઝડપભેર ઘટે છે. સપાટી પરનું તાપમાન ઝડપભેર ઘટતાં સપાટી પર વધુ ઠંડી અને વધુ ઘનત્વ ધરાવતી હવાની પરત બને છે. આમ ઉપરની ગરમ હવાની પરત હેઠળ સપાટી પરની ઠંડી હવાની પરત ફસાઈ જાય છે.
ઠંડી હવાની પરત સ્થિર હોય છે અને તેમાં વધારો થતો નથી એટલે તે એક પ્રકારનાં ઢાંકણ જેવી બની જાય છે. તેના કારણે તે ઉદ્યોગો, બાંધકામ પ્રવૃત્તિઓ, વાહનોનાં ઉત્સર્ગ વગેરેમાંથી ઉત્પન્ન થતા પ્રદૂષકોને હવામાં ઉંચે વિખેરાવા દેતી નથી અને તેને સપાટી આસપાસ જ બાંધી રાખે છે. આ પરિસ્થિતિના કારણે સ્મોગ સર્જાય છે અને વાતાવરણમાં પ્રદૂષિત તત્વો જામેલાં જ રહે છે.
મુંબઈ જેવાં મહાનગરોમાં સ્થિતિ વણસવાનું બીજું મહત્વનું કારણ એ છે કે અહીંની ગગનચુંબી બહુમાળી ઈમારતો હવાને ઉપર ઉઠવા દેવામાં ખલેલ પહોંચાડે છે. આ બહુમાળી ઈમારતો હવાને આકાશમાં ઉંચે જવા આડે અવરોધો બને છે અને તેના કારણે હવા નીચલી સપાટી પર જ ઘૂમરાતી રહે છે. આથી, પ્રદૂષકો તેના સ્ત્રોતમાંથી ઉદ્ભવ થવાને બદલે ઊંચે વિખેરાવાને બદલે નીચલી સપાટીએ જ જામેલા રહે છે. વધુમાં, સૂર્ય પૃથ્વીની સપાટીને ગરમ કરે ત્યારે આ ટેમ્પરેચર ઈન્વર્ઝન અટકવું જોઈએ તેને બદલે મહાનગરોની બહુમાળી ઈમારતો હવામાં એકત્રિત થયેલાં પ્રદૂષકોના દૂર ઊંચે નિકાલમાં અવરોધ જ સાબિત થતી રહે છે અને તેના કારણે અહીં લાંબા સમય સુધી હવાની ગુણવત્તા કથળતી રહે છે.
આમ મુંબઈ જેવાં મહાનગરોમાં ટેમ્પરેચર ઈન્વર્ઝન તથા બહુમાળી ઈમારતો જેવાં માનવ સજિત સ્ટ્રકચર્સની સંયુક્ત અસરો હવા પ્રદૂષણની સ્થિતિને વકરાવે છે.


