Mumbai

પોલીસ જવાનોએ જ એફડીએ અધિકારીનો સ્વાંગ રચી ખંડણી પડાવી

By GS TEAM
5 Jul 20252 mins read
પોલીસ જવાનોએ જ  એફડીએ અધિકારીનો સ્વાંગ રચી ખંડણી પડાવી

અંધેરીના પાન શોપના વેપારીને ઉઠાવી ગયા

ગુટખા મળ્યાનું કહી દમદાટી આપી ઃ બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ચારની ધરપકડ

મુંબઈ -  અંધેરી ડીએન નગર પોલીસે ૨૬ જૂનના રોજ અંધેરી (વે.)માં પાન શોપ ધરાવતા શખ્સનું અપહરણ કરીને ૪૩ હજાર રૃપિયા પડાવવાના આરોપસર લોકલ આર્મ્સ (એલએ) ડિવિઝનના બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ર્ે  ૩૫ વર્ષીય મોહમ્મદ આરીઝ ફૈઝાન ખાન દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે બે પોલીસ કોન્સ્ટેબલ હેમંત કાપસે અને સાગર વાઘ અને તેમના સહયોગીઓ નીતિન ગાઢવે અને ચંદ્રશેખર દરંડે પાસે કેસ નોંધ્યો હતો. 

આ બાબતે નોંધાયેલ એફઆઇઆર મુજબ સાંજે પાંચ વાગ્યાની આસપાસ એક અર્ટિગા કાર ખાનના સ્ટોલ પર આવી ઊભી હતી. કારમાંથી કાપસે અને વાઘ બહાર નીકળ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારી હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓમાંથી એકે ખાનને કહ્યું હતું કે તેમને તેના ત્યાંથી ગુટખા મળી આવ્યા છે અને તેને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ લોકોએ તેને જણાવ્યું હતું કે તેને એફડીએની છત્રપતિ શિવાજી ટર્મિનસ પાસેની ઓફિસમાં લઈ જવામાં આવી રહ્યો છે.

આ લોકોની કાર ડોક્યાર્ડ  રોડ સુધી પહોંચી ત્યારે મુસાફરી દરમિયાન આરોપીએ તેની મુક્તિ માટે ત્રણ લાખ રૃપિયાની માગણી કરી હતી. જ્યારે ખાને કહ્યું કે તેની પાસે ફક્ત ૧૦ હજાર રૃપિયા છે ત્યારે તેમણે ખાનને વધારાના રૃપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ ખાનને પેમેન્ટ સ્કેન દ્વારા આકાશ વાઘમારેના ખાતામાં ૪૦ હજાર રૃપિયા મોકલવાની ફરજ પાડવામાં આવી હતી.

આ ઘટના બાદ આ લોકોના હાથમાંથી છૂટેલા ખાને પોલીસમાં ફરિયાદ કર્યા બાદ બે કોન્સ્ટેબલ સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી.