પોલીસ કર્મચારીએ જ અન્ય જવાનના નકલી દસ્તાવેજોના સહારે લોન લીધી

ગુમ આઈડી અને નકલી સહીનો ઉપયોગ
16 લાખની લોન માટે બારોબાર ગેરંટર બનાવ્યો, નોટિસ મળી ત્યારે ખબર પડી
મુંબઈ - સાયબર ક્રાઈમના વધતા કિસ્સાઓ વચ્ચે મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલે તેના જ સાથી પોલીસ કોન્સ્ટેબલની નકલી સહી અને ગુમ થયેલાં ઓળખપત્રના આધારે ૧૬ લાખની લોન લઈ છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ભોઈવાડા પોલીસના જણાવ્યા મ્ ાુજબ, ૪૮ વર્ષીય દિલીપ રાઠોડ હાલમાં ઘાટકોપરના ક્રાઈમ બ્રાન્ચ યુનિટમાં ડ્રાઈવર તરીકે ફરજ પર કાર્યરત છે. વીસ વર્ષ ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ તેઓ ૨૦૧૬માં મુંબઈ પોલીસ વિભાગમાં જોડાયા છે. પોલીસ વિભાગમાં જોડાયા બાદ રાઠોડ અકોલાના એક તાલીમ કેન્દ્રમા પ્રથમ વખત સુનિલ પાટીલને મળ્યા હતા. જેમાં પાટીલ પણ સેનામાંથી નિવૃત્ત થઈને પોલીસ દળમાં જોડાયા હોવાથી બંને મિત્રો બની ગયા હતા. ૨૦૧૮માં પાટીલે મુંબઈ પોલીસ ક્રેડિટ સોસાયટી પાસેથી બાર લાખની લોન લીધી હતી. જેમાં પાટીલે રાઠોડને તેના ગેરંટર તરીકે હાજર રહેવા વિનંતિ કરી હતી. જેમાં રાઠોડે સંમતિ આપી હતી અને લોન દસ્તાવેજોમાં રાઠોડે તેની સહી અને ઓળખપત્રની ફોટો કોપી જોડી હતી. જો કે, બે વર્ષ પછી, પાટીલે રાઠોડની જાણ વગર તે જ સોસાયટી પાસેથી ૧૬ લાખની નવી લોન લીધી હતી.
લોન લીધા બાદ લોનના હપ્તા ન ચૂકવતા રાઠોડને ક્રેડિટ સોસાયટી તરફથી લોનના બાકીની રકમ અંગે નોટીસ મળી હતી. જેમાં પાટીલ દ્વારા લેવામાં આવેલા સોળ લાખની લોનમાં તેઓ ગેરંટર હોવાનું અને પાટીલ લોન ચૂકવતો ન હોવાથી તેમણે આ લોન ચૂકવવી રહેશે એમ નોટીસમાં જણાવ્યું હતું. આ બાદ ક્રેડિટ સોસાયટીમાં જઈને રાઠોડે ગેરંટર તરીકે આપેલા દસ્તાવેજો તપાસ કરતા તેમાં રાઠોડની બનાવટી સહી અને તેના ગુમ થયેલા ઓળખ કાર્ડની ફોટો કોપી જોડાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો.
આ અંગે પાટીલને પૂછતા તેણે ૨૫ ફેબુ્રઆરી ૨૦૨૫ સુધીમાં લોન ચૂકવી દેવાનું જણાવ્યું હતું. જો કે પાટીલે સમયમર્યાદા પછી પણ લોન ચૂકવી ન હતી. આ તમામ બાબતો બાદ ૧૪ જુલાઈના રોજ રાઠોડે ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે પાટીલ સામે છેતરપિંડીનો કેસ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.








