ગેસની અછતને પગલે દોડધામ વધી
હોટલો વાળા પાંચ-પાંચ હજાર આપી ગેસ સિલિન્ડરો ખરીદી રહ્યા છે
મુંબઇ - ગેસની કટોકટી વચ્ચે ઘરેલુ ગેસ સિલિન્ડર કાળા બજારમાં ખરીદી વાપરતા હોટેલ અને રેસ્ટોરાંવાળા પોલીસના રડારમાં આવી ગયા છે. પોલીસે જોગેશ્વરીની એક હોટેલ પર રેડ પાડીને ૧૦ સિલિન્ડર અને બે રેગ્યુલેટર જપ્ત કર્યા હતા.
ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મેળવવા માટે નાગરિકોએ કલાકો સુધી લાઇન લગાડીને ઉભા રહેવું પડે છે. ગેસ એજન્સીઓની બહાર લાઇનો જોવા મળે છે. ગેસ સિલિન્ડરની ખેંચની સ્થિતિનો લાભ લઇને કાળાબજાર શરૃ થઇ ગયા છે. બેથી પાંચ હજારમાં આ સિલિન્ડરો વેંચવામાં આવે છે. એટલે કેટલાય હોટેલવાળા પોતાનો ધંધો ચાલુ રાખવા માટે બ્લેકમાં ગેસની કોઠી ખરીદતા હોય છે.
ઘરેલુ ગેસની કોઠીનો વ્યાવસાયિક ઉપયોગ કરવાની મનાઇ છે. હોટેલ અને રેસ્ટોરાં કે ફૂડ સ્ટોલવાળા જે કમર્શિયલ સિલિન્ડર વાપરે છે તેની કિંમત વધુ હોય છે. એટલે હોટેલવાળા ઘરેલુ સિલિન્ડર કાળા બજારમાં ખરીદીને વાપરવા માંડયા છે એવી રેશનિંગ વિભાગના અધિકારીની ફરિયાદને આધારે પોલીસે જોગેશ્વરીની હોટલ પર છાપો માર્યો હતો. આ રીતે બીજી કઇ કઇ હોટેલવાળા આ રીતે ગેસની કોઠીઓ વાપરે છે તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
દરમિયાન કાંદિવલીના ચાર કોપ વિસ્તારમાં એક ગેસ એજન્સીના ટેમ્પોમાં રાખવામાં આવેલા ૨૭ ગેસ સિલિન્ડર ચોરાયા હતા. પોલીસ તપાસ કરે છે પણ હજી સુધી તેનો પત્તો નથી લાગ્યો.


