દિશા સાલિયને આત્મહત્યા જ કરી હોવાની પોલીસની કોર્ટમાં રજૂઆત
હાઈકોર્ટમાં પોલીસનો પુનરોચ્ચારઃ કોઈ જાતીય હુમલો થયો નથી
દિશાના પિતાએ કરેલી સીબીઆઈ તપાસ અરજીમાં પોતાનો પક્ષ સાંભળવામાં આવે તેવી આદિત્ય ઠાકરેની અરજી
મુંબઈ - ભૂતપૂર્વ સેલિબ્રીટી મેનેજર દિશા સાલિયને આત્મહત્યા કરી છે તેના મૃત્યુમાં કોઈ કાવતરું નથી, એમ મુંબઈ પોલીસે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું. અગાઉ, દિશાના પિતા સતિષ સાલિયને દાવો કર્યો હતો કે તેમની પુત્રી પર ગેન્ગરેપ કરીને હત્યા કરવામાં આવી હતી.
દિશાએ પોતાની ઈચ્છાએ ફ્લેટની બારીમાંથી જંપલાવ્યું હતું અને પોસ્ટમોર્ટમ અહેવાલમાં પણ જાતીય કે શારીરિક હુમલાના કોઈ નિશાન મળ્યા નહોવાનંં જણાવ્યું છેે એમ પોલીસે હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું.
પરિવાર સાથે વિખવાદને કારણે અને તેના વ્યવસાયિક સોદા પણ પાર પડતા નહોવાથી અત્યંત માનસિક તણાવમાં હતી, એમ સોગંદનામામાં જણાવાયું હતું.
ઘટના સમયે તેણે દારુ પીધો હતો અને સાથે હાજર ફિયાન્સેએ પણ કોઈ શંકા વ્યક્ત કરી નહોતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે ક્લોઝર રિપોર્ટ વૈજ્ઞાાનિક તપાસ અને પોસ્ટમોર્ટમને આધારે અપાયો હતો. ત્યાર પછી પણ એસઆઈટીએ તપાસ કરી હતી જેમાં પોલીસના દાવાને સમર્થન મળ્યું હતું. હજી પણ તપાસ ચાલી રહી છે.
એસઆઈટી એફઆઈઆર નોંધાયા વિના જ કેસની તપાસ કરી રહી છે જે ગેરકાયદે હોવાનું દિશાના પિતા સતિષ સાલિયને અરજીમાં જણાવ્યું હતું. સોગંદનામું સરકારના મુખ્ય સચિવ પાસેથી મગાયું હતું પોલીસ પાસે નહીં આથી આ કોર્ટના આદેશનો અનાદર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
૨૦૨૦ની આઠમી જૂને મલાડની ઈમારતના ૧૪મા માળેથી પડી જવાથી દિશાનું મૃત્યુ થયું હતું. પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી હતી.
દિશાના પિતાએ માર્ચમાં હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની માગણી કરીને શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરે સામે કેસ દાખલ કરવાની દાદ માગી હતી. રાજકીય દબાવને લઈને કેસ દબાવાઈ રહ્યો હોવાનો આરોપ કર્યો હતો. કોર્ટે ૧૬ જુલાઈ પર વધુ સુનાવણી રાખી છે.
દરમ્યાન આદિત્ય ઠાકરેએ દખલ અરજી કરીને કોર્ટને આદેશ આપવા પહેલાં પોતાની બાજુ રજૂ કરવાની પરવાનગી આપવા દાદ માગી હતી. ઠાકરેએ સતિષ સાલિયનની અરજી ખોટી અને ચોક્કસ હેતુ સાથેની હોવાનો દાવો કર્યો હતો.