Mumbai

કફ પરેડ પાસે દરિયામાં ઝંપલાવનાર શ્ખસને પોલીસ જવાને બચાવ્યો

By GS TEAM
29 Jul 20252 mins read
કફ પરેડ  પાસે દરિયામાં ઝંપલાવનાર શ્ખસને પોલીસ જવાને બચાવ્યો

માછીમારી બોટની મદદથી પોલીસ પહોંચી

આત્મહત્યાના પ્રયાસનું કારણ સ્પષ્ટ નહિ,  કફ પરેડમાં ટૂંકા સમયગાળામાં જ બીજી ઘટના

મુંબઈ -  દક્ષિણ મુંબઈના કફ પરેડ સ્થિત ગીતા નગર નજીક એક શખ્સે ભારે વરસાદ અને ભરતીના સમયે દરિયાના પાણીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ કોન્સ્ટેબલે ઝડપી કાર્યવાહી કરતા જીવના જોખમે માછીમારી બોટની મદદથી દરિયામાં પ્રવેશીને શખ્સને સફળતાપૂર્વક બચાવી લીધો હતો.

આ ઘટના રવિવારે સાંજના ૬.૩૦ વાગ્યાના આસપાસ ભારે વરસાદ અને દરિયામાં ભરતીના સમયે બની હતી. જેમાં કફ પરેડના ગીતા નગર નજીક એક શખ્સે અચાનક દરિયાના પાણીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

 આ અંગે જાણ થતાં  પોલીસ કોન્સ્ટેબલ રંધવેએ તાત્કાલિકઘટનાસ્થળે પહોંચીને અહીંના સ્થાનિક માછીમારી બોટની મદદથી ભરતી સમયે દરિયામાં પ્રવેશીને જીવના જોખમે પીડીતને દરિયામાં ડૂબતા સફળતાપૂર્વક બચાવી લીધો હતો. જો કે, આ શખ્સે આત્મહત્યાનો પ્રયાસ શું કામ કર્યો હતો. તેનું ચોકક્સ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

વધુમાં ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ નેટ યૂઝર્સએ પોલીસ કોન્સ્ટેબલની આ કામગીરીની વ્યાપક પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે, મે મહિનાની શરુઆતમાં પણ દક્ષિણ મુંબઈના કફ પરેડમાં આવી જ એક ઘટના બની હતી.

જેમાં મહિલાએ તેનો કોઈ પીછો કરી રહ્યા હોવાનું જણાવીને કફ પરેડમાં બીડી સોમાણી જંકશન પાસે દરિયામાં ઝંપલાવી દીધું હતું. આ સમયે ત્યાં જ ફરજ પર હાજર પોલીસકર્મીને આ અંગે જાણ થતાં જ તેણે તરત જ દરિયામાં કૂદીને જીવના જોખમે મહિલાને બચાવી લીધી હતી.