કર્જતની નેરળ પોલીસ દ્વારા ખેડૂતની ક્રૂર મશ્કરી
ગૌ તસ્કરોનો ઉપદ્રવ વધતાં ચિંતિત બનેલા ખેડૂતોને મદદને બદલે પોલીસ દ્વારા ઉપહાસ
મુંબઇ - રાયગઢ જિલ્લાના કર્જત તાલુકાના નેરળમાં ઘરના આંગણામાંથી બળદ ચોરાઇ જતા તે બાબતની ફરિયાદ કરવા ગયેલા એક ખેડૂતને કડવો અનુભવ થયો હતો. પોલીસ મથકમાં હાજર કર્મચારીઓએ ખેડૂતને બળદનું બર્થ સર્ટિફિકેટ લાવવા જણાવ્યું હતું.
નેરળના અજંપ ગામમાં રહેતા ખેડૂત તાનાજી માળી નાં ઘરનાં આંગણામાંથી રવિવારે સવારે ત્રણ થી ચાર ગૌતસ્કરો બળદને ચોરી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે. કે ત્રણ થી ચાર અજાણી વ્યક્તિઓ માળીના ઘરના આંગણામાં રાખેલ એક બળદને પાઉંના ટુકડા આપી બહાર આવવા લલચાવે છે. તથા ઘરની બહાર ખેંચી જઇ બળદને એક વાહનમાં ભરી ઘટના સ્થળેથી ભાગી છૂટતા નજરે પડે છે. સવારે જ્યારે માળીનો પરિવાર જાગ્યો અને બળદ નજરે ન પડતા તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે બળદની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.
માળી જ્યારે આ બાબતની ફરિયાદ નોંધાવવા કર્જત પોલીસ મથકમાં પહોંચ્યા ત્યારે અહીં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ તેમની પાસે બળદનું બર્થ સર્ટિફિકેટ માંગ્યું હતું. તેમણે માળીને જણાવ્યું હતું કે બળદનું બર્થ સર્ટિફિકેટ લઇ આવો પછી જ ફરિયાદ નોંધવામાં આવશે. પોલીસના આવા વર્તનથી માળી ચોંકી ઉઠયા હતા. આ વાતની જાણ જ્યારે અન્ય ખેડૂતોને થઇ ત્યારે તેઓ પણ રોષે ભરાયા હતા. અને ખેડૂતોમાં અસંતોષની લાગણી ફરી વળી હતી. પોલીસના આવા બાલિશ પ્રશ્નની ચર્ચા હાલ ગામમાં થઇ રહી છે. અને બળદનું બર્થ સર્ટિફિકેટ લાવવું ક્યાંથી તે બાબતે ચર્ચા થઇ રહી છે. દરમિયાન માળીએ કહ્યું કે જેની પાસે અમે ન્યાયની આશા રાખીએ છીએ તે પોલીસ જ અમને આવા પ્રશ્નો પૂછી ગેરવાજબી માગણી કરી તો અમારે ન્યાય મેળવવા કોની પાસે જવું ?
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં કર્જત, નેરળ જેવા વિસ્તારમાં ગૌતસ્કરોની ઉપાધી વધી છે અને તેમની ટોળી કોઇના પણ ડર વગર પશુઓ ચોરી જાય છે. આ તસ્કરો સામે યોગ્ય કાર્યવાહી થતી ન હોવાથી તેઓ બેફામ બન્યા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.


