Mumbai

ઇન્દ્રાણી મુખર્ર્જીની ધરપકડ વખતે ભૂલો કર્યાની પોલીસની કબૂલાત

By GS TEAM
11 Sep 20252 mins read
ઇન્દ્રાણી મુખર્ર્જીની ધરપકડ વખતે ભૂલો કર્યાની પોલીસની કબૂલાત

શીના બોરા મર્ડર કેસમાં પોલીસની ઉલટતપાસ

ધરપકડ સમયે કોઈ પંચ સાક્ષી ન હોતા, તાત્કાલિક તબીબી તપાસ કરાઈ ન હતી અને ધરપકડના કારણો જણાવવામાં આવ્યા ન હતા

મુંબઈ -  શીના બોરા હત્યા કેસના તપાસ અધિકારીઓમાંના એક ખાર પોલીસ સ્ટેશનના જ્ઞાાનેશ્વર ગણોરેએ મંગળવારે સ્વીકાર્યું છે કે ફરજિયાત જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હતું અને આ કેસમાં ઇન્દ્રાણી મુખર્જીની ધરપકડમાં બેદરકારી હતી.

મંગળવારે ઇન્દ્રાણીના વકીલ  દ્વારા ગણોરની પૂછપરછ કરવામાં આવી રહી હતી, જેમાં તેમણે આ કેસમાં તેમના દ્વારા કરવામાં આવેલી તપાસના અનેક પાસાઓ પર પૂછપરછ કરી હતી. ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ ગણોરને ઇન્દ્રાણીની ધરપકડ કરવાનું અને વરલીમાં માર્લો બિલ્ડિંગમાં તેના ઘરની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

ઉલટતપાસમાં બચાવ પક્ષના વકીલે ઇન્દ્રાણીની ધરપકડ સમયે અનુસરવામાં આવતી પ્રક્રિયાની ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું. એવો  નિર્દેશ કરવામાં આવ્યો હતો કે ઇન્દ્રાણીની ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ સવારે ૧૧ વાગ્યે આનંદ નિકેતનથી ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ગણોરે દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે, ધરપકડ સમયે ત્યાં કોઈ પંચ સાક્ષી (સ્વતંત્ર સાક્ષી) હાજર નહોતા.વધુમાં, તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે પંચ સાક્ષીને ફક્ત ત્યારે જ બોલાવવામાં આવ્યા હતા જ્યારે તેઓ ઇન્દ્રાણીની ધરપકડ કર્યા પછી સવારે ૧૧.૨૦ વાગ્યે માર્લો બિલ્ડિંગ પહોંચ્યા હતા.

પૂછપરછ દરમિયાન, ગણોરેએ સ્વીકાર્યું કે ઇન્દ્રાણીની ધરપકડ કરતી વખતે તેમણે પંચ સાક્ષીઓને બોલાવ્યા ન હતા અને તેને તાત્કાલિક તબીબી તપાસ માટે લઈ જવામાં આવી ન હતી. ઉપરાંત, ગણોરેએ એ પણ સ્વીકાર્યું કે ધરપકડના કારણો ઇન્દ્રાણીને જણાવવામાં આવ્યા ન હતા. તેથી બચાવ પક્ષે પ્રશ્ન ઉઠાવ્યો કે પોલીસે ઇન્દ્રાણીની ધરપકડ કરતી વખતે ફરજિયાત જોગવાઈઓ અને પ્રક્રિયાઓનું પાલન કર્યું નથી. અધિકારીએ આ વાત સ્વીકારી હતી.