નવી મુંબઈનું કમળના ફૂલના આકારનું અત્યાધુનિક ઍરપોર્ટ, પહેલા ફેઝનું ઉદ્ઘાટન, મુસાફર ક્ષમતા 9 કરોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Navi Mumbai International Airport : દેશની આર્થિક રાજધાની મુંબઈને એક ભવ્ય અને અત્યાધુનિક ઍરપોર્ટ મળ્યું છે. આજે (8 ઑક્ટોબર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ(NMIA)નું લોકાર્પણ કર્યું, જે ભારતનું સૌથી અત્યાધુનિક અને ઈકો ફ્રેન્ડ્લી ઍરપોર્ટ બન્યું છે. આ 'ડીબી પાટિલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ'ના નામથી ઓળખાશે. ઍરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહ્યા. તેની સાથે જ મુંબઈ મેટ્રોની લાઇન-3(એક્વા લાઇન)ના અંતિમ તબક્કાનું પણ ઉદ્ધાટન કરાયું. આ ઍરપોર્ટ પર મુસાફરોને મેટ્રો સ્ટેશન પરથી જ સીધા ચેક-ઇન, વન-અપ અને ટુ-વે બેગેજ સુવિધા જેવી અનોખી સુવિધા મળશે.
ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય
આ ઍરપોર્ટના નિર્માણ દરમિયાન પર્યાવરણ સંરક્ષણને ખાસ મહત્ત્વ અપાયું છે. તે સ્વચ્છ ઊર્જા અને જળ સંરક્ષણના ઉપાયોથી સંપન્ન છે. આ ઍરપોર્ટ પરના ટર્મિનલની રચના કમળના ફૂલથી પ્રેરિત છે, જે ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરે છે. કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ પણ કરાશે.
આ ઍરપોર્ટ કેટલું મોટું છે?
આ ઍરપોર્ટ 1160 હેક્ટર જમીન પર આકાર પામ્યું છે. તે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ પર કાર્યરત થશે. અદાણી ઍરપોર્ટ હોલ્ડિંગ્સ આ પ્રોજેક્ટમાં 74% હિસ્સો ધરાવે છે, જ્યારે સિડકો 26% હિસ્સો ધરાવે છે.
₹19,600 કરોડનો નિર્માણખર્ચ
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹19,600 કરોડ જેટલો છે, જેમાં CIDCO દ્વારા જમીન વિકાસ માટે ₹3,500 કરોડનું રોકાણ પણ સામેલ છે. આ ઍરપોર્ટ મુંબઈ મહાનગરીય પ્રદેશની હવાઈ પરિવહન ક્ષમતાને બમણી કરી નાખશે.

મહત્તમ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે
આ ઍરપોર્ટની બાંધકામ યોજના અત્યંત વ્યાપક છે. તેનો પહેલો રનવે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે, જ્યારે બીજાનું નિર્માણ આગામી ચાર વર્ષમાં પૂર્ણ થવાનું છે. બંને રનવે સ્વતંત્ર ટેક્સી-વે અને 350 વિમાનોને એક સાથે રાખવાની પાર્કિંગ સુવિધાથી સજ્જ હશે. કનેક્ટિવિટી વધારવા માટે અટલ સેતુથી કોસ્ટલ રોડ સુધી એક નવા માર્ગનું નિર્માણ ચાલુ છે, મેટ્રો લાઇનને ટૂંક સમયમાં મંજૂરી મળવાની અપેક્ષા છે અને વોટર ટેક્સી સેવા પણ શરુ કરવાની યોજના છે.
કોંક્રિટનું નહીં, કઠોર પરિશ્રમનું પરિણામ
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આ ઍરપોર્ટને તેના નિર્માતાઓને સમર્પિત કર્યું છે. તેમના પુત્ર જીત અદાણીએ જણાવ્યું કે આ બાંધકામ માત્ર કોંક્રિટનું નહીં, પરંતુ કઠોર પરિશ્રમનું પરિણામ છે.

દુબઈ-સિંગાપોરના વર્લ્ડ ક્લાસ ઍરપોર્ટ જેવી સુવિધા
આ ઍરપોર્ટ મુસાફરીના અનુભવને એક નવું સ્તર પ્રદાન કરશે. આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે મુસાફરો તેમની પહેલી ફ્લાઇટમાં જ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયર કરી શકશે, જે દુબઈ અને સિંગાપોર જેવા વર્લ્ડ ક્લાસ ઍરપોર્ટ પર અપાતી સુવિધાઓને સમકક્ષ છે. અમદાવાદ, સુરત જેવા શહેરોથી આવતાં મુસાફરો સીધા જ અહીં ઇમિગ્રેશન પૂર્ણ કરીને તેમની કનેક્ટિંગ ફ્લાઇટ પકડી શકશે.
મુંબઈની ઉડ્ડયન ક્ષમતામાં વધારો
મુંબઈમાં પહેલેથી જ એક આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (CSMIA) કાર્યરત હોવાથી હવે NMIAને લીધે મુંબઈને 'ડ્યુઅલ ઍરપોર્ટ સિસ્ટમ'નો લાભ મળશે, જે એને ભારતનું મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વાર બનાવશે. NMIA ટાયર-II અને ટાયર-III શહેરોને વૈશ્વિક નેટવર્ક સાથે અસરકારક રીતે જોડશે. તેને લીધે CSMIA પરનું દબાણ નોંધપાત્ર રીતે ઘટશે, કેમ કે હાલમાં CSMIA પર વિમાનોને ઉતરવા માટે રાહ જોવી પડે છે.

વાર્ષિક 9 કરોડ મુસાફરોનું આવાગમન
અહીં શરુઆતમાં વાર્ષિક 2 કરોડ મુસાફરોનો ધસારો રહેવાનો અંદાજ છે, અને કાર્ગો ક્ષમતા વાર્ષિક 5 લાખ ટનની હશે, પરંતુ બાંધકામ સંપૂર્ણ થશે ત્યારે આ ઍરપોર્ટ વાર્ષિક 9 કરોડ મુસાફરો અને 32 લાખ ટન કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે. આ ક્ષમતાને કારણે તે એશિયાના સૌથી મોટા ઉડ્ડયન કેન્દ્રોમાંનું એક બનશે અને મુંબઈને લંડન, ન્યુયોર્ક જેવા શહેરોની પંક્તિમાં ઊભું કરી દેશે.
લાખો લોકોને રોજગારી મળશે
આ પ્રોજેક્ટથી ઉડ્ડયન, લોજિસ્ટિક્સ, IT અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં 2 લાખથી વધુ રોજગારીનું સર્જન થવાનું અનુમાન છે.

ઍરપોર્ટનું નામકરણ એક ખેડૂતના નામ પરથી થશે
ઍરપોર્ટનું નામ સ્થાનિક ખેડૂત નેતા અને જાણીતા સામાજિક કાર્યકર સ્વર્ગીય દિનકર બાલુ (ડી.બી.) પાટીલના નામ પરથી રખાશે. નવી મુંબઈના વિકાસ માટે જેમની જમીન સંપાદિત કરાઈ હતી તેવા પરિવારો માટે પુનર્વસન અને વળતરની વાટાઘાટો જેવા મુદ્દે ડી.કબી. પાટીલે ખૂબ શ્રમ લીધો હોવાથી આ ઍરપોર્ટનું નામ તેમના નામ પરથી રખાશે.








