Get The App

અમદાવાદમાં તુટી પડેલાં વિમાન મામલે પાઇલટના પિતાની અદાલતી તપાસ માટે સુપ્રીમમાં અરજી

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં તુટી પડેલાં વિમાન મામલે પાઇલટના પિતાની અદાલતી તપાસ માટે  સુપ્રીમમાં અરજી 1 - image


91 વર્ષના પુષ્કરાજ સભરવાલની ન્યાયી અને પારદર્શી તપાસની માંગણી 

વર્તમાન તપાસને બંધ થયેલી ગણી તમામ સામગ્રી, ડેટા અને રેકોર્ડસ અદાલતી દેખરેખ હેઠળની તપાસ સમિતિને સોંપવાની માંગણી કરાઇ

બાર જુને અમદાવાદમાં તુટી પડેલી એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ૧૭૧ના પાઇલટ કેપ્ટન સુમિત અગરવાલના પિતા પુષ્કરાજ સભરવાલ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ તળે અદાલતની દેખરેખ હેઠળ આ અક્સ્માતની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં નોંધાવી છે. ભારતના સૌથી ખરાબ વિમાની અકસ્માતમાંના એકમાં અમદાવાદથી ગેટવિક જઇ રહેલું બોઇંગ ૭૮૭-૮ વિમાન ઉડ્ડયન બાદ તરત જ તુટી પડતાં ૨૪૧ પ્રવાસીઓ સહિત કુલ ૨૬૦ જણાંના મોત થયા હતા.

એર ઇન્ડિયાની આ ફલાઇટના ૫૬ વર્ષના પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના ૯૧ વર્ષના પિતા પુષ્કરાજ સભરવાલે આ કરૃણ ઘટનાની ન્યાયી, પારદર્શક અને ટેકનિકલી મજબૂત તપાસ કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે જેની સુનાવણી દિવાળી વેકેશન બાદહાથધરવામાં આવે તેમ લાગે છે. દસ ઓક્ટોબરે નોંધાવવામાં આવેલી આ અરજીમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ડીજીસીએ અને એએઆઇબીને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ અરજીમાં આ ઘટનાની તપાસ કરવા નાગરિક ઉડ્ડયન નિષ્ણાતો અને ટેકનિકલ નિષ્ણાતોની બનેલી સ્વતંત્ર તપાસ સમિતિ રચવાનો આદેશ આપવામાં આવે તેવી દાદ માંગવામાં આવી છે. 

આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો-એએઆઇબી- અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન-ડીજીસીએ- દ્વારા કરવામાં આવેલી સત્તાવાર તપાસ ખામીભરી, પૂર્વગ્રહથી પ્રેરિત અને ટેકનિકલી નબળી હતી. બાર જુલાઇએ જારી કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં અકસ્માતનું કારણ પાઇલટની ભૂલ જણાવવામાં આવ્યું ત્યારે અનેક સિસ્ટેમેટિક અને ટેકનિકલ ફેઇલ્યોર્સને અવગણવામાં આવી હતી.

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ ટીમે સઘન ટેકનિકલ તપાસ હાથ ધરવાને બદલે મૃત પાઇલટ્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે હવે તેમનો બચાવ કરી શકે તેમ નથી. તપાસના આ અભિગમને કારણે મૃત કર્મચારીઓની આબરુને બટ્ટો લાગ્યો છે એટલું જ નહીં પણ તેમના અભિગમને કારણે  સલામતિ  વધુ જોખમાઇ શકે છે. આ તપાસને  કારણે પોતાની પ્રતિષ્ઠા જાળવવાનો મૂળભુત બંધારણીય અધિકાર બંધારણની કલમ ૨૧ હેઠળ ભારતના દરેક નાગરિકને મળેલો છે તેનો પણ ભંગ થયો છે. 

આ અરજીમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસને બંધ થયેલી ગણી તમામ સામગ્રી, ડેટા અને રેકોર્ડસ અદાલતી દેખરેખ હેઠળની તપાસ સમિતિને સોંપવાનો પણ આદેશ આપવામાં આવે તેવી માંગણી પણ કરાઇ છે. પ્રતિવાદીઓએ અગાઉ નીમેલી પાંચ સભ્યોની ટીમમાં તેમના જ સભ્યો હોઇ કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થયો હતો. જેને કારણે એવી સ્થિતિ સર્જાઇ હતી કે જ્યાં નિયમનકારી સંસ્થાના અધિકારીઓ જાણે તેમની પોતાની જ સામે તપાસ કરતાં હોય. જેને કારણે તપાસની તટસ્થતા અને વિશ્વસનીયતા જોખમાયા છે તેમ પુષ્કરાજ સભરવાલે તેમની અરજીમાં જણાવ્યું હતું. 

Tags :