Mumbai

અમદાવાદ પ્લેન ક્રેશમાં ન્યાયિક તપાસની પાયલોટસ સંગઠનની માંગ

By GS TEAM
25 Sep 20252 mins read
અમદાવાદ પ્લેન ક્રેશમાં ન્યાયિક તપાસની પાયલોટસ સંગઠનની માંગ

પ્લેનના મૃતક પાયલોટ્સ માટે પૂર્વગ્રહ આધારિત તપાસ થયાનો આરોપ

વિમાન મેન્યુફેક્ચરિંગ કે મેઈનટેનન્સની ખામીને બદલે પાયલોટસ પર દોષનો ટોપલો ઢોળવાના પ્રયાસથી રોષ

મુંબઇ -  અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઇ ૧૭૧ ફ્લાઇટ ક્રેશ થવા અંગે ન્યાયિક તપાસ શરૃ થવી જોઇએ તેવી મ ાગણી ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટસ (એફઆઇપી)એ કરી છે. એર ક્રાફ્ટ એક્સીડેન્ટ બ્યુરો (એએઆઇબી)એ કરેલી તપાસ પૂર્વગ્રહયુક્ત અને પાઇલોટસ પર દોષારોપણ કરવાનો પ્રયત્ન કરાયો હતો તેવો આક્ષેપ એફઆઇપીએ કર્યો હતો. તપાસનો અહેવાલ લીક કરાયો હતો તેવો પણ આક્ષેપ પાયલોટસની સંસ્થાએ કર્યો હતો.

એફઆઇપીએ  કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને  ૨૨મી સપ્ટેમ્બરે પત્ર લખી કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચના કરવાની માંગણી કરી હતી.  એએઆઇબીના તપાસકારોએ નૈતિક્તા અને સ્ટાન્ડર્ડ તપાસપદ્ધતિનું ઉલ્લંઘન કર્યું હતું તેવો આક્ષેપ એફપીઆઇએ કર્યો હતો.  તપાસ અધિકારીઓ આશ્વાસનના બહાને કેપ્ટનના નિવાસસ્થાને ગયા હતા તે પણ યોગ્ય ન હતું. તે મુલાકાતમાં અધિકારીઓએ કોકપીટ વોઇસ રેકોર્ડર (સીવીઆર)ની વાતચીતને ઉકેલી એવો આક્ષેપ કર્યો હતો કે (પાયલોટ) કેપ. સભર વાલે ટેક્કઓફ્ફ પછી ફ્યુલસપ્લાય જાણી જોઇને બંધ કર્યો હતો.

સર્વ ગ્રાહ્યી તપાસ કર્યા વગર પાયલોટની ભૂલ હોવાનો કથાનક તૈયાર કર્યું હતું તેવો આક્ષેપ એફઆઇપીએ કર્યો હતો. વિમાનના મેન્યુફેક્ચરિંગમાં મેઇનટેનન્સમાં અથવા અન્ય કોઇ નિષ્ફળતાનું કારણ શોધવાનો પ્રયત્ન નહીં કરીને શંકાની સોય પાયલોટ એરર પર લઇ જવાનો પ્રયત્ન કરાયો હતો તેવો આક્ષેપ એફઆઇપીએ કર્યો હતો.

કેપ્ટન સભરવાલ ૩૦ વર્ષનો ફ્લાઇંગ રેકોર્ડ ધરાવતા હતા તે નહીં ગણીને તેમના માનસિક સ્વાસ્થ્ય અંગે અટકળો ફેલાવવામાં આવી હતી. ૧૫ વર્ષ અગાઉ તેમના છુટાછેડા થયા હતા અને ત્રણ વર્ષ અગાઉ તેમની માતાનું નિધન થયું હતું. તેવી ભૂતકાળની વાતોને વિમાન અકસ્માત સાથે મીડિયામાં સાંકળી લેવામાં આવી હતી. સીવીઆરની માહિતી મીડિયાને લીક કરવામાં આવી હતી તેવું એફઆઇપીએ પત્રમાં કહ્યું હતું. સીવીઆરની માહિતીને જાહેર કરવાથી એરક્રાફ્ટ રુલ્સ ૨૦૧૭ના એક રુલનું  ઉલ્લંઘન થયું છે તેવું પાયલોટસની સંસ્થાએ કહ્યું હતું. એક્સીડન્ટના તપાસકર્તાઓએ અકસ્માત અટકાવવા પર ધ્યાન આપવું જોઇએ અને કોઇને દોષ આપવાનું તેમનું કામ નથી તે યાદ રાખવું જોઇએ. 

વિમાન અકસ્માતની તપાસ અધૂરી અથવા સંતોષકારક ન લાગે તો કોર્ટ ઓફ ઇન્કવાયરીનો (ન્યાયિક તપાસ) આદેશ કરવાની સરકારને ઓથોરિટી છે તેવું સંસ્થાએ કહ્યું હતું.  માનવીય પરિબળો, ફભ્લાઇટ કન્ટ્રોલ સિસ્ટમ્સ, એવિયોનિક્સ, વિમાનનું મેઇનટેનન્સ અને ઓપરેશન્સના નિષ્ણાતોની સમિતિ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની આગેવાનીમાં સૂચિત કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચનાનો આદેશ આપ્યો હતો.