Get The App

પુણે પાસે પિક અપ વાન પલ્ટીઃ શ્રાવણના સોમવારે દર્શને જતી 8 મહિલાનાં મોત

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
પુણે પાસે પિક અપ વાન પલ્ટીઃ શ્રાવણના સોમવારે દર્શને જતી 8 મહિલાનાં મોત 1 - image


ગાડીમાં ખીચોખીચ મહિલાઓ-બાળકો હતાં- 25 ઘાયલ

ખેડ તાલુકાના કુંડેશ્વર મહાદેવ જતી વખતે ડ્રાઈવરે કાબુ ગુમાવતાં ગાડી ૩૦ ફૂટ નનીચે ખાઈમાં ખાબકી 

મુંબઈ -  શ્રાવણ સોમવાર નિમિત્તે મંદિર દર્શન કરવા જઇ રહેલા ભક્તોની પિકઅપ ગાડી રસ્તાની બાજુમાં  લગભગ  ૩૦ ફૂટ નીચે પડી જતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ મહિલાને કાળ ભરખી ગયો હતો જ્યારે અન્ય પચ્ચીસ  જખમી થયા હતા. 

પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટના   બપોરે ૧.૦૦ વાગ્યાની આસપાસ બની હતી. પાપળવાડી ગામના રહેવાસીઓ શ્રાવણ મહિનાના શુભ દિવસની ઉજવણી માટે પુણેના ખેડ તાલુકામાં કુડેશ્વર મંદિરે જઇ રહ્યા હતા. પિકઅપ ગાડીમાં લગભગ ૩૫ ભક્તો હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા.

પિંપરી-ચિંચવડ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે  નાગમોડી ઘાટ પાસે ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગાડી રસ્તાની બાજુમાં ખાબકી હતી. મહિલાઓ અને બાળકોની રોકકળ તથા ચીસાચીસથી સમગ્ર વાતાવરણ ગાજી ઉઠયું હતું. 

આ બનાવની જાણ થતા સ્થાનિકલોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરી હતી.

અકસ્માત પછી બચાવ કામગીરી માટે ૧૦ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી વાહનમાંથી મૃતક અને  ઇજાગ્રસ્તને બહાર કાઢી હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે આ બનાવમાં આઠ મહિલાના મૃત્યું થયા છે. અને લગભગ પચ્ચીસને ઇજા થઇ હતી. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૃા. ચાર લાખના વળતર આપવાની જાહેરાત કરી છે.


Tags :