Get The App

અફવાઓના પગલે અછત સર્જાતાં અનેક જિલ્લામાં પેટ્રોલનું રેશનિંગ લાગુ

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
અફવાઓના પગલે  અછત સર્જાતાં અનેક જિલ્લામાં પેટ્રોલનું રેશનિંગ લાગુ 1 - image

મહારાષ્ટ્રનાં નાના-મોટાં શહેરોમાં પેટ્રોલ પંપો પર લાઈનો

ટુવ્હીલરમાં  મહત્તમ ૨૦૦ , ફોેર વ્હીલરમાં ૨૦૦૦ રૃપિયા  સુધીનું જ પેટ્રોલ આપવાનો    છત્રપતિ સંભાજીનગર, કોલ્હાપુર, જાલનામાં  આદેશ

મુંબઇ -  મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર, કોલ્હાપુર જિલ્લામાં અને જાલના જિલ્લામાં પેટ્રોલ ડીઝલ માટે ટોચમર્યાદા લગાવવામાં આવી છે. આ બંને જિલ્લામાં ટુવ્હીલર્સમાં વધુમાં વધુ રૃા. ૨૦૦ અને ફોર વ્હીલર્સમાં વધુમાં વધુ રૃા. ૨૦૦૦નું પેટ્રોલ મળશે. આ નિયમ ૩૧મી માર્ચ સુધી અમલમાં રહેશે.  પેટ્રોલ-ડીઝલની અછતનાં સંદર્ભમાં પેનિક બાઈંગ અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. 

છત્રપતિ સંભાજીનગર કલેક્ટરે બહાર પાડેલા આદેશમાં કહ્યું કે ટુવ્હીલર્સમાં ફક્ત ૨૦૦ રૃપિયાનું ફ્યુલ ભરવાની અને ફોરવ્હીલર્સમાં વધુમાં વધુ રૃા. ૨૦૦૦ સુધીનું પેટ્રોલ  ખરીદવાની છુટ આપવામાં આવી છે. બોટલો, ડબ્બાઓ અને પીપમાં ફ્યુલ વેચવા પર પેટ્રોલપંપો પર પ્રતિબંધ મૂકાયો છે. ઇમર્જન્સી સર્વિસ પૂરી પાડતા વાહનો પર પેટ્રોલ ટોચમર્યાદાનો નિયમ અમલમાં નથી. 

આ પ્રકારના નિયમ કોલ્હાપુર જિલ્લા અને જાલના જિલ્લાના વહીવટીતંત્રે પણ લાગુ કર્યા છે જે ૩૧મી માર્ચ સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા પેટ્રોલ પંપ સંચાલકો સામે લાયસન્સ સસ્પેન્શન સહિતનો સખત કાર્યવાહી કરવામાં આવશે. લોકો અફવાઓથી દોરાઇ જઇને વધુ ઇંધણ પુરાવી રહ્યા છે આથી કૃત્રિમ શોર્ટેજ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.જાલના જિલ્લામાં કુલ ૧૨૬ પેટ્રોલ પંપ છે. એમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી સર્વિસિસ પૂરી પાડતો વાહનોને પ્રાથમિક્તા આપવાનું પેટ્રોલપંપ સંચાલકોને કહેવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસનોએ જરૃર જેટલું જ ઇંધણ ખરીદવાની લોકોને અપીલ કરી છે. 

પેટ્રોલ પંપોએ રોજિંદા સ્ટોકની માહિતી દર્શાવવી પડશે તેવુ વહીવટીતંત્રે કહ્યું હતું. દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અથવા એલપીજીની અછત નથી અને ૬૦ દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ભારત પાસે ક્રુડઓઇલ અને ફ્યૂલ સંગ્રહ કરવાની ક્ષમતા ૭૪ દિવસની છે તેવું કેન્દ્રીય પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું.

  પાણી ભરવા આવ્યા હોય તેમ પેટ્રોલ લેવા પહોંચ્યા

પેટ્રોલ માટે બેડાં, ડ્રમ, પતરાંના ડબ્બા સાથે પંપ પર લાઈનો

સામાન્ય રીતે આગ કે વિસ્ફોટનું જોખમ ટાળવા માટે પેટ્રોલ પમ્પ તરફથી બોટલમાં કે કેનમાં પેટ્રોલ ભરી આપવામાં નથી આવતું. પણ અમેરિકા- ઇરાન યુદ્ધના પગલે પેટ્રોલની કટોકટીની અફવા ફેલાતાની સાથે જ નાસિક જિલ્લાના નાંદગાંવમાં એક પેટ્રોલ પમ્પ ઉપર કેટલાંય લોકો બેડાં, ડ્રમ અને પતરાંના મોટા ડબ્બા લઇને પહોંચી ગયા હતા.

નાસિકના નાંદગાંવના પેટ્રોલ પમ્પ પર સલામતીના નિયમોની ઐસી તૈસી

પેટ્રોલ  પમ્પ ઉપર વાહનોમાં સીધેસીધું પેટ્રોલ ભરી આપવામાં આવતું હોય છે. આગ અને અકસ્માતનું જોખમ ટાળવા નાના કેન અથવા બોટલમાં પેટ્રોલ ભરી આપવામાં નથી આવતું. બીજું કોઇ સમાજકંટકો પેટ્રોલ ભરી જઇને આગજની કરે નહીં માટે છુટક પેટ્રોલ અપાતું નથી હોતું. પરંતુ નાંદગાંવના પેટ્રોલ પમ્પ ઉપર જાણે લોકો પાણી ભરવા પહોંચ્યા હોય એ રીતે ડ્રમ, બેડાં અને પતરાના અને પ્લાસ્ટિકના કેન લઇને પહોંચી ગયા હતા. મિડિયામાં આ દ્રશ્યો વહેતા થયા પછી પણ સત્તાવાળાઓએ  તાત્કાલિક પગલાં લીધા નહોતા એમ સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. 

સપ્લાય નહિ પણ લોજિસ્ટિક્સની સમસ્યા

લોજિસ્ટિકલ મુશ્કેલીથી પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો લાગે છે તેવું એક નિષ્ણાતે જણાવ્યું હતું. સામાન્ય રીતે પેટ્રોલપંપ સંચાલક સરેરાશ દિવસે ધારો કે ૫૦૦ વાહનોને ઇંધણ પૂરુ પાડતો હોય અને અફવાોને પગલે ૫૦૦૦ ગ્રાહકો પહોંચી જાય તો પેટ્રોલ પંપની ટેન્ક જલ્દી ખાલી થઇ જશે. ડિલિવરી ટેન્કરો રિફિલ કરવા અગાઉના સમયપત્રક અનુસાર પહોંચશે અને પેટ્રોલ પંપે ત્યાં સુધી 'ઇંધણ ખલાસ'ના પાટિયા મૂકવા પડે છે, પબ્લિકમાં ફલાણો પેટ્રોલ પંપ બંધ છે તેવી વાતો ફેલાય છે અને વાહનો ચાલકો અન્ય પેટ્રોલપંપ પર ધસારો કરે છે અને આ જ ચક્ર ત્યાં રિપીટ થાય છે. જે શહેર સરકારી રિફ્યૂલિંગ ડેપોથી જેટલા છુટ  છે ે ત્યાં ટેન્કર પહોંચતા વધુ વખત લાગે છે અને લોકો રાબેતા મુજબનું કામ છોડીને પેટ્રોલપંપો પર કતાર લગાવીને રાહ જોવાનું પસંદ કરે છે.