Mumbai

સાધ્વી પ્રજ્ઞા સહિત સાતને નિર્દોષ છોડવા સામે હાઈકોર્ટમાં અરજી

By GS TEAM
10 Sep 20254 mins read
સાધ્વી પ્રજ્ઞા સહિત સાતને નિર્દોષ છોડવા સામે હાઈકોર્ટમાં અરજી

2008 ના માલેગાંવ વિસ્ફોટોના મૃતકોના પરિવારો દ્વારા અરજી 

ન્યાયાધીશ ફોજદારી કેસમાં પોસ્ટમેન કે મૂકપ્રેક્ષક તરીકે ન વર્તી શકેઃ તપાસમાં ખામીથી યારોપી નિર્દોષ ન ઠરેઃ અરજીમાં દલીલો

મુંબઈ -  ૨૦૦૮ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના છ સભ્યોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞાા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત આ કેસમાં સાત આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના ખાસ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો છે.

અપીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખામીયુક્ત તપાસ અથવા તપાસમાં કેટલીક ખામીઓ આરોપીને નિર્દોષ જાહેર કરવા માટેનો આધાર હોઈ શકે નહીં. તેમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ગુપ્ત રીતે કાવતરું ઘડવામાં આવ્યું છે અને તેથી તેનો સીધો પુરાવો હોઈ શકતો નથી.

અરજદારોએ દાવો કર્યો હતો કે ૩૧ જુલાઈના રોજ સ્પેશિયલ એનઆઈએ કોર્ટે સાત આરોપીઓને નિર્દોેષ છોડી મુકવાનો આદેશ ખોટો અને કાયદાની દ્રષ્ટિએ ખરાબ હતો અને તેથી તેને રદ કરવાને પાત્ર છે.

સોમવારે નિસાર અહેમદ સૈયદ બિલાલ અને અન્ય પાંચ લોકો દ્વારા  દાખલ કરવામાં આવેલી અપીલમાં હાઇકોર્ટને ખાસ કોર્ટના ચુકાદાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

હાઈકોર્ટની વેબસાઇટ મુજબ, અપીલ ૧૫ સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ એએસ ગડકરીની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવે તેવી શક્યતા છે.

૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મુંબઈથી લગભગ ૨૦૦ કિમી દૂર આવેલા માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલ સાથે બાંધેલો વિસ્ફોટક ઉપકરણ વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને ૧૦૧ લોકો ઘાયલ થયા હતા.

દાવામાં કહેવામાં આવ્યું છે કે ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશે ફોજદારી કેસમાં પોસ્ટમેન અથવા મૂક પ્રેક્ષક તરીકે કામ ન કરવું  જોઈએ. જ્યારે ફરિયાદ પક્ષ તથ્યો બહાર કાઢવામાં નિષ્ફળ જાય છે, ત્યારે ટ્રાયલ કોર્ટ પ્રશ્નો પૂછી શકે છે અને/અથવા સાક્ષીઓને સમન્સ મોકલી શકે છે, એમ તેમાં ઉમેર્યું હતું.

ટ્રાયલ  કોર્ટે કમનસીબે માત્ર પોસ્ટ-ઓફિસ તરીકે કામ કર્યું છે અને આરોપીને ફાયદો પહોંચાડવા માટે ખામીયુક્ત કાર્યવાહીને મંજૂરી આપી છે,એમ અપીલમાં જણાવાયું છે.

તેમાં  એ પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે અગાઉના ખાસ  સરકારી વકીલ, રોહિણી સાલિયને, આરોપીઓ સામેના કેસમાં ધીમી ગતિએ કાર્યવાહી કરવા માટે એનઆઈએ તરફથી દબાણનો આરોપ લગાવ્યો હતો, જેના પછી નવા ફરિયાદીની નિમણૂક કરવામાં આવી હતી.

અપીલમાં  રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ આ કેસમાં તપાસ અને ટ્રાયલ કેવી રીતે હાથ ધરી તે અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આરોપીઓને દોષિત ઠેરવવાની માંગ કરવામાં આવી હતી.

વિશ્વસનીય પુરાવા નહિ હોવાનો ખાસ કોર્ટનો ચુકાદો

ખાસ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે માત્ર શંકા વાસ્તવિક પુરાવાનું સ્થાન લઈ શકે નહીં અને દોષિત ઠેરવવા માટે કોઈ મજબૂત કે વિશ્વસનીય પુરાવા નથી.

એનઆઈએ કોર્ટના અધ્યક્ષપદે રહેલા સ્પેશિયલ જજ એકે લાહોટીએ કહ્યું હતું કે આરોપીઓ સામે કોઈ વિશ્વસનીય અને મજબૂત પુરાવા  નથી જે વાજબી શંકાની બહાર કેસ સાબિત કરે.

ફરિયાદ પક્ષનો કેસ એવો હતો કે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ માલેગાંવ શહેરમાં મુસ્લિમ સમુદાયને આતંકિત કરવાના ઇરાદાથી જમણેરી ઉગ્રવાદીઓ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

એનઆઈએ કોર્ટે તેના ચુકાદામાં ફરિયાદ પક્ષના કેસ અને તપાસમાં અનેક છટકબારીઓ દર્શાવી હતી અને કહ્યું હતું કે આરોપીઓને શંકાનો લાભ મળવો જોઈએ.

ઠાકુર અને પુરોહિત ઉપરાંત, આરોપીઓમાં મેજર રમેશ ઉપાધ્યાય (નિવૃત્ત), અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે.

ગુપ્ત કાવતરાંના પુરાવા ન હોયઃ અરજીમાં દલીલ

અપીલમાં જણાવાયું છે કે રાજ્યના આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ સાત વ્યક્તિઓની ધરપકડ કરીને એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યોે છે અને ત્યારથી લઘુમતી સમુદાયની વસ્તીવાળા વિસ્તારોમાં કોઈ વિસ્ફોટ થયો નથી.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે એનઆઈર્ેએએ કેસ સંભાળ્યા પછી આરોપીઓ સામેના આરોપોને નબળા પાડયા હતા.

અપીલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખાસ અદાલતે એવા નિષ્કર્ષ પર આવવામાં ભૂલ કરી હતી કે વિસ્ફોટમાં વપરાયેલી મોટરસાઇકલ ઠાકુરની માલિકીની નહોતી અને વપરાયેલ આરડીએક્સ પુરોહિત દ્વારા ખરીદવામાં આવ્યું ન હતું.

આરોપીઓએ વિસ્ફોટનું કાવતરું ઘડયું હતું તે દર્શાવવા માટે પૂરતા પુરાવા હતા અને ખાસ અદાલતે ભૂલ કરી હતી કે આરોપીઓ સામે માત્ર મજબૂત શંકા હતી પરંતુ તેમને દોષિત ઠેરવવા માટે પૂરતા પુરાવા નહોતા, એમ કોર્ટે જણાવ્યું હતું.

અપીલમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્ત રીતે કાવતરું ઘડવામાં આવ્યું છે અને તેથી તેનો કોઈ સીધો પુરાવો હોઈ શકતો નથી.