Get The App

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદેલાઓનાં બીજી ટ્રેનની અડફેટે મોત

Updated: Jan 22nd, 2025

GS TEAM

Google News
Google News
આગની અફવાથી ટ્રેનમાંથી કૂદેલાઓનાં બીજી ટ્રેનની અડફેટે મોત 1 - image

- મહારાષ્ટ્રના જલગાંવ પાસે દુર્ઘટનાઃ જાણે મોત બોલાવતું હોય તેમ જીવ બચાવવાના ઈરાદાથી કૂદ્યા તો પણ ૧૫ પ્રવાસીને મોત ભેટી ગયું 

- લખનૌથી મુંબઈ આવતી પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી કોઈએ ચેઈન પુલિંગ કર્યું, પ્રવાસીઓ પાટા પર ઉતર્યા તે જ વખતે કર્ણાટક એક્સપ્રેસની અડફેટે આવી ગયા

- બી ફોર કોચના પૈડામાંથી ધૂમાડા નીકળતાં ટ્રેનમાં ફરતા ચા વાળાએ આગ લાગ્યાની અફવા ફેલાવી અને કરુણાંતિકા સર્જાઈ  

મુંબઈ: મોત પોકારતું હોય ત્યારે  પાંચમની છઠ્ઠ થતી નથી તેવું સાબિત કરતા એક અકસ્માતમાં મહારાષ્ટ્રના જળગાંવ પાસે એક ટ્રેનમાં આગની ખોટી અફવા ફેલાતાં ૫૦ જેટલા પ્રવાસીઓ ચેઈન પુલિંગ કરી તેમાંથી કૂદી ગયા હતા. આ જ વખતે સામેના ટ્રેક પર આવતી બીજી ટ્રેને તેમને અડફેટે લેતાં આશરે ૧૫થી વધુ પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. આમ જીવ બચાવવાના હેતુથી મોત ટાળવા માટે ઝંપલાવનારા પ્રવાસીઓને એ ઘડીએ આખરે મોત જ મળ્યું હતું. લખનૌથી મુંબઈ આવતી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓ જળગાંવના પાચોરા સ્ટેશન નજીક કર્ણાટક એક્સપ્રેસની હેઠળ કચડાતાં  ભારે શોક છવાયો હતો. 

સાંજે પાંચ વાગ્યાની આસપાસ પુષ્પક એક્સપ્રેસે પરઘાડે ગામ નજીક પસાર થઈ રહી હતી તે વખતે કોઈ પ્રવાસી દ્વારા એલાર્મ ચેઈન ખેંચવામાં આવી હતી. ટ્રેન અચાનક ઉભી રહ્યા બાદ ઘણા પ્રવાસીઓ એક પછી એક ટ્રેનમાંથી પાટા પર કૂદી પડયા હતા. દરમિયાન બાજુના ટ્રેક પર પૂરવેગે બેંગ્લુરુથી દિલ્હીની દિશામાં દોડતી કર્ણાટક એક્સપ્રેસે પાટા પર ઉમટેલા પ્રવાસીઓને અડફેટે લઈ લીધા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનારા પ્રવાસીઓનો અંદાજીત આંકડો ૧૫ થી વધુ  છે. જે વધવાની શક્યતા છે. કારણકે ઘણા પ્રવાસીઓને ગંભીર ઈજા થઈ હતી.

રેલવે અધિકારીના જણાવ્યાનુસાર આ દુર્ઘટના આગ લાગવાની શંકાને કારણે બની હતી. એક્સપ્રેસના કોચ બી-ફોરના પૈડામાંથી ધૂમાડા નીકળતા જોઈને પ્રવાસીઓ આગ લાગી હોવાની બૂમાબૂમ કરવા લાગ્યા અને ગભરાયેલા પ્રવાસીઓએ એલાર્મ ચેઈન ખેંચી લીધી હતી. પુષ્પક ટ્રેનમાં સવાર લખનૌના એક પ્રવાસીએ કહ્યું હતું કે ટ્રેનમાં ફરતા ચા વાળાએ આગની અફવા ફેલાવી હતી, ત્યારે ટ્રેન ઉભી હતી. લોકો દોડાદોડી કરવા લાગ્યા, ઘણા લોકો ટ્રેનમાંથી ઉતરીને ભાગી રહ્યા હતા અને વિરુદ્ધ દિશામાંથી આવતી કર્ણાટક એક્સપ્રેસ પુષ્પક એક્સપ્રેસના પ્રથમ ત્રણ કોચ સુધી દોડી અને પછી અકસ્માતને કારણે અટકી ગઈ હતી. અગર પૂર્ણ ટ્રેન પસાર થઈ ગઈ હોત તો ઉતરનારા બધા જ પ્રવાસીઓના મોત થયા હોત.

દુર્ઘટનાની જાણ થતા ૩૦ થી ૪૦ મિનિટમાં પ્રાંત અધિકારી અને કલેક્ટર સહિતના અધિકારીઓ તથા અન્ય સરકારી એજન્સીઓના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા . તત્કાળ મદદ કાર્ય હાથ ધરાયું હોવાનું જળગાવના પાલક પ્રધાન ગુલાબરાવ પાટીલે જણાવ્યું હતું. મૃતકોમાંથી ચાર પ્રવાસીઓના મૃતદેહ પાચોરામાં હતા, આઠ-મૃતદેહ જળગાવ મોકલાયા હતા. ગંભીર જોખમી થયેલાઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જળગાવના જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર માટે ગ્રામીણ અને ખાનગી હોસ્પિટલ તથા સરકારી મેડિક્લ કોલેજની મદદ લેવાઈ હતી. સાંજે સાત વાગ્યાની આસપાસ મેડિકલ કોલેજમાં ૧૨ મૃતદેહો મોકલાયા હતા.

સીએમ દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા ઉપર ભીષણ અકસ્માતની નોંધ લેતા ખેદ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે લખ્યું હતું કે ''જળગાંવની જનરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોને ઘાયલોની સારવાર માટે તૈયાર રખાઈ છે. રાજ્ય પ્રધાન ગિરિશ મહાજન અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઘટના સ્થળે પહોંચ્યા છે. જિલ્લા અધિકારી અને રેલવે મળીને મદદ કાર્ય કરી રહ્યા છે. આઠ એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલાઈ છે. ઈમરજન્સી ઉપકરણો જેવા કે ગ્લાસ કટર અને ફલ્ડલાઈટ વગેરે પણ તૈયાર રખાયા છે.''

રેલવેએ ત્રણ હેલ્પલાઈન નંબરો કાર્યરત કર્યા હતા. દરમિયાન ઘટનાના  અડધા કલાકની અંદર બન્ને ટ્રેનો તેમના આગળના પ્રવાસ માટે રવાના થઈ ગઈ હતી.

 મહારાષ્ટ્ર સરકારે જલગાંવ જિલ્લામાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલામાં પ્રત્યેક લોકો માટે  પાંચ  લાખ રૂપિયાની આથક સહાયની જાહેરાત કરી છે.વિદેશમાં દાવોસની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક વિડિયોમાં કહ્યું છે કે ઘાયલ લોકોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે.