ભગવાનને ગરમીમાં રાહત માટે ચંદનનો લેપ કરવાની શરૃઆત
લેપ લગાવ્યા બાદ માત્ર આંખોનાં જ દર્શન
ઇસ્કોનના મંદિરોમાં આ ચંદનયાત્રા ૨૦ દિવસ ચાલશે
મુંબઇ - લોકો અસહ્ય ગરમીમાંથી છૂટકારો મેળવવા માટે એરકંડિશનર, પંખા કે કૂલરનો આશરો લેતા હોય છે જ્યારે ભગવાનને ગરમીમાં રાહત મળે માટે ચંદનના ટાઢા લેપની શરૃઆત થઇ ગઇ છે.
વૈશાખના ધોમધખતા તાપ અને ગરમીમાં ભગવાનને ઠંડક મળે એ ચોપાટી સ્થિત શ્રી રાધા ગોપીનાથ મંદિર સહિત ઇસ્કોનના બધા મંદિરોમાં મૂર્તિને ચંદનનો લેપ લગાડવા માટેની ચંદનયાત્રા શરૃ થઇ ગઇ છે. આ ચંદનયાત્રા શુકલ પક્ષની તૃતીયાથી ૨૦ દિવસ ચાલશે.
૨૦ દિવસની ચંદનયાત્રા માટે ભક્તો અને સ્વયંસેવકો દ્વારા કેટલાય દિવસો અગાઉથી ચંદન ઘસીને ભેગું કરવામાં આવે છે. અને પછી તેનો પ્રભુની મૂર્તિને લેપ કરવામાં આવે છે. આખા શરીરે લેપ કરવામાં આવ્યા પછી માત્ર દિવ્ય આંખોના જ દર્શન થાય છે. ગ્રીષ્મ ઋતુમાં ઉત્સવ મૂર્તિઓની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને સરોવર કે નદીમાં મૂર્તિઓને નાવમાં બેસાડી જળક્રીડા પણ કરાવવામાં આવે છે.