Get The App

વિલે પાર્લેમાં જૈન મંદિર તોડવાના વિરોધમાં જન મેદની રસ્તા પર ઉમટી

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
વિલે પાર્લેમાં જૈન મંદિર તોડવાના વિરોધમાં જન મેદની રસ્તા પર ઉમટી 1 - image


કે-ઈસ્ટ વોર્ડની ઓફિસ પર સૂત્રોચ્ચારો સાથે ગગન ગુંજ્યું

કાર્યવાહી કરનાર વોર્ડ ઓફિસરની તાત્કાલિક બદલી કરી દેવાઈ

મુંબઈ - વિલે પાર્લે-ઈસ્ટમાં નેમિનાથ હાઉસિંગ સોસાયટીમાં આવેલા ૯૦ વર્ષ જૂના ૧૦૦૮ પાર્શ્વનાથ  દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવાના વિરોધમાં શનિવારે સવારે ૯ વાગ્યાથી મંદિર પરિસર પાસેથી જૈન સમાજના ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં એકઠા થયા હતા, રેલી વિલેપાર્લે ઈસ્ટના વિવિધ રસ્તાઓ પરથી હાથમાં બીએમસી સામેના વિરોધ દર્શાવતા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા મહાપાલિકાના  કે-ઈર્સ્ટ વોર્ડ ઓફીસે  ૧૧.૩૦ વાગ્યે પહોચ્યા હતા. ૨૦ હજાર જેટલા જૈન બાંધવો ઉમટી પડતાં વોર્ડ ઓફિસ ખાતે પહેલેથી જ ભારે પોલીસ બદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બીએમસીની કે-ઈસ્ટ વોર્ડ કાર્યાલયમાં જવાના તમામ રસ્તાઓ બેરીકેડથી બ્લોક કરી દેવાયા હતા. જો કે સાંજ પડતા જ જૈન સમાજના રોષને ઠંડો પાડવા બીએમસી કમિશનરે કે-ઈસ્ટ વોર્ડના વોર્ડ ઓફીસર નવનાથ ધાડગેને ટ્રાન્સફર ર્ક્યાં છે.  

ટ્રસ્ટીઓને કોઈ ખુલાસો આપવાની તક આપ્યા વિના જ તોડકામ કરીને કે-ઈસ્ટ વોર્ડના બીએમસીના અધિકારીની રીતીનીતી સામે જૈન સમાજ રોષે ભરાયો હતો, અને આવેદન પત્રમાં જૈન સમાજ તરફથી મુખ્ય ૩ માગણી મુકવામાં આવી હતી. જેમાં બીએમસીના જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, બીએમસી સંપૂર્ણ ખર્ચથી ત્વરિત નવું મંદિર બનાવી આપે, અને આ બનાવની મહાપાલિકાના સંબધિત અધિકારી તરફથી માફી માંગે. જો કે એક જૈન આગેવાનના જણાવ્યા અનુસાર હાલમાં અમને આપવામાં આવેલી ખાત્રી મુજબ આ વિવાદીત અધિકારીની બદલી કરવામાં આવી છે અને આ મંદિરનું ફરીથી નિર્માણ કરવા માટે મજુરી મળી છે. 

  જૈન સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ આકરા તાપમાં એકઠા થયા હતા. બીએમસીના કે-ઈસ્ટ વોર્ડ સામે સતત બીએમસી ચોર હૈ ના નારા અને જૈને સમાજની એકતાના નારાઓ બુલંદ અવાજે સાંભળવા મળ્યા હતા. જૈન સમાજમાં આ વખતનો રોષ જાહેરમાં પ્રથમ વખત જોઇ નેતાઓએ ચુપકીદી સેવી લીધી હતી. જો કે જૈન સમાજની સયંમની પણ પ્રસંશા થઈ રહી હતી. આ રેલીમાં સરકારમાં રાજ્ય મંત્રી મંગલ પ્રભાત લોઢા,   વિલે પાર્લેના વિધાનસભ્ય પરાગ અલાવાણી, સાંસદ વર્ષા ગાયકવાડ અને ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહ અને વિધાનસભ્ય મૂરજી પટેલ પણ બીએમસી કે/પૂર્વ વોર્ડ ઓફિસ સુધીની રેલીમાં જોડાયા હતા.           

        બીએમસી દ્વારા જૈન મંદિર તોડી પાડવાના વિરોધમાં પ્રદર્શનકારીઓ  મંદિર તોડા હૈ  હોસલા નહીં,અમે જૈન છીએ, અમે અટકીશું નહીં, અમે હાર માનશું નહીં, લખેલા બેનરો પકડીને પ્રદર્શન કરી રહ્યા હતા. વિલે પાર્લેમાં ૩૦ વર્ષ જૂના મંદિરના રક્ષણ માટે મજબૂત એકતા અને દૃઢ નિશ્ચય દર્શાવવામાં આવ્યો હતો. મોરચાના રૃટ પર ઠેરઠેર છાશ અને પાણીની બોટલનું વિતરણ રેલીમા જોડાયેલા નાગરિકો માટે કરાયું હતું.


Tags :