સલમાન સાથે સ્ટેજ શેર કરવા બદલ પવન સિંહને બિશ્નોઈ ગેંગની ધમકી

ભોજપુરી સ્ટારને જુદા જુદા મોબાઈલ પરથી ખંડણીના ફોન આવ્યા
15-20 લાખની ખંડણીની માગણીઃ પવન સિંહ માટે કામ કરવા બદલ મેનેજર સહિતના સ્ટાફને પણ ધાકધમકી
મુંબઇ - ભોજપુરી અભિનેતા અને ગાયક પવન સિંહ લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામથી મારી નાખવાની ધમકી મળી હતી. વિરારથી મુંબઇ જુદા જુદા મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને ફોન કરનારાએ કથિત રીતે ખંડણીની માંગણી કરી હતી અને સલમાન ખાન સાથે સ્ટેજ પર ન આવવાની ચેતવણી આપી હતી.
આ ધમકીઓ મળ્યા બાદ પવન સિંહના મેનેજરે પોલીસમાં ઔપચારિક ફરિયાદો નોંધાવી હતી. મુંબઇ ક્રાઇમબ્રાન્ચની એન્ટી એક્સટોશર્ન સેલ આ ધમકીભર્યા કોલની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીએ પવનને સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરવા સામે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી. તેમજ તે ક્રાયક્રમોમાં આગળ વધશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. પવનના કામ સાથે સંકળાયેલા ઘણા લોકોના ફોન પર ધમકીભર્યા મેસેજ આવ્યા હોવાનું કહેવાય છે. આમ પવનસિંહને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પવન સિંહ અને તેમની ટીમના સભ્યો વિગતવાર નિવેદનો અને પુરાવા આપવા માટે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ હાજર થાય એવી શક્યતા છે. અધિકારીઓ તપાસના ભાગરૃપે ફોન રેકોર્ડની તપાસ કરી રહ્યા છે. કૉલ કરનારાઓના ડિજિટલ ફૂટપ્રિન્ટ શોધી રહ્યા છે.
ફરિયાદ મુજબ ફોન કરનારે મેનેજરને ચેતવણી આપી હતી કે જો તે પવન સિંહ સાથે કામ કરવાનું ચાલું રાખશે તો તેની હાલત સિદ્ધુ મૂસેવાલા જેવી થશે.
મેનેજરે જણાવ્યું હતું કે પહેલો ધમકીભર્યો ફોન ૬ ડિસેમ્બરના રાતે ૧૦ વાગ્યે આવ્યો હતો. ટીમના સભ્ય પ્રિયાંશુને પોન કરાયો હતો. તેનો નંબર જાહેરમાં ઉપલબ્ધ છે. આ ફોન વોટ્સએપ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનેક ધમકીભર્યા મેસેજ આવ્યા હતા.
ફોન કરનારે કહ્યું હતું કે પવન સિંહને કહો કે તે સલમાન ખાન સાથે સ્ટેજ શેર ન કરે નહીં તો તેના પર સિદ્ધુ મૂસેવાલા જેવું પરિણામ ભોગવવું પડશે. પ્રિયાંશુંએ ફોન કરનારને કહ્યું કે તેઓ ખોટા નંબર પર સંપર્ક કર્યો છે. ત્યારે આરોપીએ ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું.
બીજા દિવસે મેનેજરને બીજા નંબર પરથી મેસેજ અને કૉલ આવ્યા હતા. આ વખતે ફોન કરનારે કથિત રીતે રૃા.૧૫-૨૦ લાખની માંગણી કરી અને કહ્યું કે પૈસાની તાત્કાલિક વ્યવસ્થા કરવી પડશે.
જોકે બાદમાં ફોન કરનારે કહ્યું કે તમે ખોટી માહિતી કેમ ફેલાવી રહ્યા છો.?
મે તમારી પાસે પૈસાની માંગણી કરી નથી. તેમને ફક્ત એટલું જ કહ્યું હતું કે પવન સિંહ સાથે કામ ન કરો. જો તમે કામ કરવાનું ચાલું રાખશો તો તમે પણ ફસાઇ જશે.

