Mumbai

એર ઈન્ડિયાની ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ થતા પ્રવાસીઓ પરેશાન

By GS TEAM
19 Jun 20252 mins read
એર ઈન્ડિયાની ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ થતા પ્રવાસીઓ પરેશાન

- તકનીકી, જાળવણી અને અન્ય મુદ્દાને કારણે

- વિમાન દુર્ઘટના પછી વારંવાર ફ્લાઈટો રદ થતા પ્રભાવગ્રસ્ત પ્રવાસીઓ માટે એર ઈન્ડિયા વૈકલ્પિક યોજના બનાવશે

મુંબઈ : ટેકનિકલ સમસ્યાઓ, જાળવણીની જરૂરીયાત અને કુદરતી આફતોને કારણે બુધવારે એર ઈન્ડિયાના સંચાલનમાં વિક્ષેપ સર્જાયો હતો અને ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો રદ કરવી પડી હતી. નોંધનીય છે આ રદ થયેલી ફ્લાઈટ પૈકી બેમાં પેસેન્જરોએ બોર્ડિંગ કરી લીધું હતું જેના કારણે તેમના ત્રાસમાં વધારો થયો હતો. બાલી જતી ત્રીજી ફ્લાઈટને એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટતા દિલ્હી પાછી વાળવી પડી હતી.

ટોરોન્ટો-દિલ્હી ફ્લાઈટ (એઆઈ૧૮૮) મેઈનટેનન્સ કામ લંબાઈ જવાના કારણે રદ કરવી પડી હતી જેના પરિણામે ઓપરેટિંગ ક્રૂએ ફ્લાઈટ નિયમો હેઠળ માન્ય ડયૂટી કરતા વધુ કલાકો માટે ઊડાન ભરવી પડી હતી. એવી જ રીતે દુબઈ-દિલ્હી ફ્લાઈટ (એઆઈ૯૯૬) ટેકનીકલ કારણોસર ભૂમિગત કરાઈ હતી જેમાં પણ પહેલા પ્રવાસીઓ બેસી ચૂક્યા હતા. બંને કિસ્સામાં પ્રવાસીઓને ફ્લાઈટ રદ કરાયા પછી વિમાનમાંથી પાછા ઉતારવામાં આવ્યા હતા.

ત્રીજી રદ થયેલી ફ્લાઈટ દિલ્હી-બાલીની એઆઈ૨૧૪૫ હતી જેને બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટતા દિલ્હી પાછા વળવાની સલાહ આપવામાં આવી હતી. આ તકેદારીનું પગલુ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું અને વિમાન કોઈપણ અનિચ્છનીય ઘટના વિના દિલ્હી પાછુ લેન્ડ થયું હતું.

ફ્લાઈટો રદ થવાના કિસ્સા વધતા એર ઈન્ડિયા પ્રભાવિત પ્રવાસીઓ માટે વૈકલ્પિક પ્રવાસ વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે અને પ્રવાસીઓને પૂર્ણ રિફન્ડ અથવા મફત રિશેડયુલીંગની ખાતરી આપી છે. એરલાઈને તેના બોઈંગ ૭૮૭ કાફલા પર વધારાની સુરક્ષા ચકાસણી, હવાઈ ક્ષેત્રના નિયંત્રણો અને ખરાબ હવામાનને કારણે વિક્ષેપો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

૧૨ જૂને બી૭૮૭-૮ વિમાનની જીવલેણ દુર્ઘટના પછી અનેક અવરોધો સર્જાતા ફ્લાઈટો રદ થવાનું પ્રમાણ વધી ગયું હતું અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ એર ઈન્ડિયાના ૭૮૭ વિમાનોની ચકાસણી સઘન બનાવી છે. ૧૨ જૂનથી ૧૭ જૂન સુધીમાં એરલાઈન્સે ૬૬ બોઈંગ ૭૮૭ સંચાલિત ફ્લાઈટો રદ કરી હતી.

એર ઈન્ડિયા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પછી ડીજીસીએએ એરલાઈનને જાળવણી અને સંચાલનોમાં આંતરીક સંકલન સુધારવાની અપીલ કરી હતી. નિરીક્ષણમાં કોઈ ગંભીર સલામતી ખામી ન જોવા મળી હોવા છતાં ડીજીસીએએ પ્રવાસીઓની અગવડતા ઓછી કરવા સ્પેર પાર્ટ ઉપલબ્ધિ અને જાળવણી વ્યવસ્થાપન બહેતર બનાવવાની સલાહ આપી હતી.