Mumbai

અમને સીધા પાસ કરી દોઃ અંગ્રેજીને બદલે મરાઠી પેપર અપાતાં માંગ

By GS TEAM
29 Nov 20252 mins read
અમને સીધા પાસ કરી દોઃ અંગ્રેજીને બદલે મરાઠી પેપર અપાતાં માંગ

નાસિકમાં ટીઈટી પરીક્ષામાં  છબરડા બાદ ઉમેદવારોની ધમાલ 

છેક સુધી અંગ્રેજી પેપર આવ્યું જ નહિ, આખરે  છેલ્લી ૩૦ મિનીટમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સમજાય તેટલું મરાઠી પેપર લખ્યું

મુંબઈ -  નાસિકમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી) દરમ્યાન મરાઠી માધ્યમનું પ્રશ્નપત્ર મેળવેલ અંગ્રેજી માધ્યમના તમામ ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરવાની માગણી કરવામાં આવી છે. ગુરુવારે જિલ્લા પરિષદના શિક્ષણાધિકારી કાર્યાલયમાં પ્રભારી શિક્ષણાધિકારીની મુલાકાત લઈ ઉમેદવારોએ  પોતાની રજૂઆત કરી હતી. જોકે આ બનાવ દ્વારા પ્રશાસન આવી પરીક્ષાઓ દરમ્યાન કેટલું બેદરકાર વર્તન કરે છે, તેની પણ પોલ ખુલી છે. ૨૩ નવેમ્બર ન ે રવિવારના રોજ લેવાયેલી 'ટીઈટી' પરીક્ષામાં નાસિક સ્થિત સીડીઓ મેરી હાઈસ્કૂલ સેન્ટર પર અત્યંત ગંભીર કિસ્સો બન્યાનું જણાયું છે. અંગ્રેજી માધ્યમના ઉમેદવારો માટે મરાઠી માધ્યમનાં પ્રશ્નપત્રો અપાયા હતા. કેન્દ્ર પ્રમુખના ધ્યાનમાં આ વાત આવ્યા બાદ પણ માત્ર સમય વ્યતિત કરી કોઈ ઉપાયયોજના કરી નહોતી. થોડી વાર થોભો એવું કહી પરીક્ષા પૂર્ણ થવાના અડધા કલાક પહેલાં સુધી તેમને માત્ર આશ્વાસન અપાયું હતું. આખરે ઉમેદવારોએ બચેલાં અડધા-પોણા કલાકમાં મળેલું પેપર ઉકેલ્યું હતું.

આ ઉમેદવારોએ ગુરુવારે શિક્ષણાધિકારી ઑફિસની મુલાકાત લઈ પોતાનો પક્ષ માંડયો હતો. તે દરમ્યાન ઉમેદવારોએ જણાવ્યું કે, ઉત્તરપત્રિકા અંગ્રેજી માધ્યમની અને પ્રશ્નપત્રિકા મરાઠી માધ્યમની હોવાથી આવા ઉમેદવારોને માર્ક મળવાની કોઈ શક્યતા જ નથી. આથી અમારા ભવિષ્ય પર તેની માઠી અસર થશે. આ વર્ષે ટીઈટી ફરજિયાત કરતાં ગત વર્ષની તુલનાએ ઉમેદવારોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી હતી. પરંતુ આવી ગંભીર ભૂલને કારણે અમને માનસિક તાણ અનુભવાયો છે, એવું પણ ઉમેદવારનું કહેવું છે. 

જોકે આ બાબતે યોગ્ય તે તપાસ કરી તેનો અહેવાલ સીનિયર ઓફિસને મોકલાયો હોય ઉમેદવારોનું હિત ધ્યાનમાં લઈ આ માગણી આગળ મોકલવામાં આવશે, એટલું પ્રભારી શિક્ષણાધિકારી પાસેથી જાણવા મળ્યું હતું.