Mumbai

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની અલાયદી ઓળખ જાળવી રાખવા પારસીઓની માંગ

By GS TEAM
8 Oct 20252 mins read
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની  અલાયદી ઓળખ જાળવી રાખવા  પારસીઓની માંગ

પારસી સમુદાય માટે આ બેન્ક ટાટા કંપની જેટલી જ પોતિકી

પારસી સમુદાયનો આ બેન્ક ઊભી કરવામાં મોટો ફાળો; આ બેન્કનું 

મર્જર થતાં તે પોતાની પ્રથમ સ્વદેશી બેન્કની ઓળખ ગુમાવશે

મુંબઈ -  ડિસેમ્બર ૧૯૧૧ના રોજ મુંબઈમાં સર સોરાબજી પોચખાનવાલા અને સ્વાતંત્ર્ય સેનાની સર ફિરોઝશાહ મહેતા તથા સમુદાયના સાથી સભ્યો દ્વારા સ્થાપિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની વિશિષ્ટ ઓળખને જાળવી રાખવા સરકારને અપીલ કરવાની યોજના પારસીઓ બનાવી રહ્યા છે. દેશની પ્રથમ સ્વદેશી બેન્ક તરીકે ઓળખાતી આ બેન્ક જે અત્યારે સરકારી માલિકીની છે, પરંતુ તેને ટાટા કંપનીઓ જેટલી જ પારસીઓની સંસ્થા તરીકે માનવામાં આવે છે. આથી પારસી સમુદાય આ બેન્ક પ્રત્યે અતિ લાગણીશીલ ભાવ અનુભવે છે.   ૨૧ 

સુુરતમાં પારસીઓના સર્વોચ્ચ ટ્રસ્ટ  સુરત પારસી પંચાયત ફંડ્સ એન્ડ પ્રોપર્ટીઝે તાજેતરમાં આ બેન્કને બીજી સંસ્થા સાથે મર્જ કરીને મોટી બેન્ક બનાવવાની યોજના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આમ કરવાથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું અસ્તિત્વ પૂર્ણ થઈ જશે અને તેનું નામ બદલીને નવું નામ આપવામાં આવશે. જેથી ભારતની પ્રથમ સ્વદેશી બેન્ક તરીકેની તેની મૂળ ઓળખ ખતમ થઈ જશે. તેમણે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

બોમ્બે પારસી એસો.ના પ્રમુખ અને બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટી ઝેર્ક્સિસ દસ્તુરે બેન્કના વારસા પર ભાર મુકતાં કહ્યું હતું કે, કેટલાંકે કહ્યું છે કે, આપણે બેન્કને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ.બેન્કનો ઈતિહાસ કહે છે કે તે ટાટા હાઉસ જોડે જોડાયેલી હતી. સ્વદેશી ચળવળના સીધા પરિણામ સ્વરુપ આ બેન્કની રચના થઈ હતી. તેને સમાજમાં સમુદાયના સૌથી મોટા યોગદાનમાંનું એક માનવામાં આવે છે. ૧૯૬૯માં ઈન્દિરા ગાંધીના શાસનકાળમાં રાષ્ટ્રીયકૃત કરાયેલી આ બેન્કને એક મહત્ત્વપૂર્ણ જાહેર ક્ષેત્રની બેન્ક તરીકે ઓળખાવાઈ હતી. 

ભારત સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોને મર્જ કરવાની યોજના પર આગળ વધી રહી છે જેથી નાની સરકારી માલિકીની બેંકોને મોટી, વધુ નફાકારક સંસ્થાઓમાં એકીકૃત કરી શકાય. ૨૦૧૯-૨૦માં દેના બેન્ક, ઈલાહાબાદ બેન્ક અને સિન્ડિકેટ જેવી બેન્કોનું કેનેરા બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડા જેવી મોટી નાણા સંસ્થા સાથે વિલીનીકરણ કરાયું હતું. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, જે ૯૩.૦૮ ટકા સરકારી માલિકીની છે, તે મર્જરના આગામી તબક્કા માટે  સૂચિત  કરાયેલી ચાર બેન્કોમાંની એક છે. ભારતીય બેન્ક એસોસિએશને આ બાબતે હજી કોઈ પ્રતિભાવ આપ્યો હોવાનું જણાયું નથી.